અગ્રણી અમેરિકી ટેકનોલોજી કંપની એપલના સીઇઓ ટીમ કૂકે ગયા સપ્તાહે ભારતમાં બે રીટેલ સ્ટોર્સને ખૂલ્લા મૂક્યા હતા. કંપનીના સીઇઓએ મંગળવારે ભારતમાં કંપનીનો પ્રથમ સ્ટોર મુંબઈમાં ખુલ્યો મુક્યો હતો. આના બે દિવસ પછી બીજો સ્ટોર ખુલ્લો મૂક્યો હતો. ભારતમાં એપલના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ સ્ટોર ખોલવામાં આવ્યા હતા. વિશ્વભરમાં આ આઇકોનિક બ્રાન્ડના પ્રથમ સ્ટોર અંગે એપલના ચાહકોમાં ભારે ઉત્તેજન ઊભી થઈ હતી. એપલના પ્રથમ ગ્રાહક બનવા માટે સ્ટોર્સની આગળ લાંબી લાઇનો લાગી હતી.
ગ્રાહકો માટે આ સ્ટોરના ઉદઘાટનની પૂર્વસંધ્યાએ 20,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા સ્ટોર પર મીડિયા પ્રીવ્યૂ યોજવામાં આવ્યો હતો. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટીમ કૂકે જણાવ્યું હતું કે ભારતમાં સુંદર સંસ્કૃતિ અને અવિશ્વસનીય ઉર્જા છે અને અમે અમારા લાંબા સમયથી ચાલતા ઇતિહાસનું નિર્માણ કરવા માટે ઉત્સાહિત છીએ. અમારા ગ્રાહકોને ટેકો આપવા, સ્થાનિક સમુદાયોમાં રોકાણ કરવા અને માનવતાની સેવા કરતી નવીનતાઓ સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ કરીશું.
મુંબઈ સ્ટોરમાં ઘણી બધી સુવિધાઓ વિશ્વભરના અન્ય એપલ સ્ટોર્સ જેવી જ છે. જોકે કંપનીએ મુંબઈ શહેરની પ્રખ્યાત કાળી પીળી ટેક્સીને આધારે ‘કાલી-પીલી’ થીમનો ઉપયોગ કરીને સ્ટોરનું ભારતીયકરણ કર્યું છે. હાલમાં એપલ અત્યંત સ્પર્ધાત્મક ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં 3 ટકા બજારહિસ્સો ધરાવે છે. ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચીન અને દક્ષિણ કોરિયન બ્રાન્ડ્સનું શાસન છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.