એપલે ભારતમાંથી એક મહિનામાં $1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરીને ઈતિહાસ રચ્યો છે. એક મહિનામાં એક બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરનારી તે ભારતની પ્રથમ કંપની બની હતી.
કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત કંપનીએ ડિસેમ્બર 2022માં રૂ. 8100 કરોડના આઇફોનની નિકાસ કરી હતી, તેનાથી સ્માર્ટફોનની ઉદ્યોગની કુલ નિકાસ રૂ.10,000 કરોડ થઈ હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ભારતમાંથી મોબાઈલ ફોનની નિકાસ કરવામાં એપલ અને સેમસંગ અગ્રણી કંપનીઓ છે. જો કે, સરકારી ડેટા મુજબ, એપલે સેમસંગને પાછળ છોડી દેશની ટોચની મોબાઇલ ફોન નિકાસકાર બની છે.
એપલ ભારતમાંથી તેના ત્રણ કોન્ટ્રાક્ટ ઉત્પાદકો: ફોક્સકોન, પેગાટ્રોન અને વિસ્ટ્રોન દ્વારા આઇફોન 12, 13, 14 અને 14+ સહિત ઘણા આઇફોન મોડલનું ઉત્પાદન અને નિકાસ કરે છે. આ ઉત્પાદકો તમિલનાડુ અને કર્ણાટકમાં સ્થિત છે અને તેઓ ભારત સરકારની સ્માર્ટફોન પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનામાં સહભાગી છે, જે એપ્રિલ 2020 માં શરૂ કરવામાં આવી હતી.