આઇફોનનું ઉત્પાદન કરતી અમેરિકાની અગ્રણી કંપની એપલે કેલિફોર્નિયામાં 600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. કોરોના મહામારી પછી ટેકનોલોજી કંપનીઓમાં છટણીના દોરમાં એપલની આ સૌથી મોટી છટણી છે.
કંપનીએ 28 માર્ચે તેની કેટલીક ઓફિસોમાં 614 કર્મચારીઓને સૂચના આપી હતી કે તેઓ 27 માર્ચની અસરથી નોકરી ગુમાવી રહ્યા છે. સાન્ટા ક્લેરામાં આઠ ઓફિસમાં આ કર્મચારીઓને છૂટા કરાયા છે. જોકે કયા ડિપાર્ટમેન્ટ કે પ્રોજેક્ટ્સમાંથી કર્મચારીઓ છૂટા કરાયા છે તેની વિગતો જાહેર કરાઈ નથી. એપલે આ અંગે કોઇ ટીપ્પણી કરી ન હતી.
ટેક કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો, પરંતુ એપલે આવી કોઇ જાહેરાત કરી ન હતી. કોવિડ-19 મહામારી દરમિયાન લોકોએ ઓનલાઇન ખર્ચ અને સમયમાં વધારો કર્યો હોવાથી ભરતીમાં ભારે ઉછાળો આવ્યો હતો. પરંતુ પછીથી વૃદ્ધિ ધીમી પડી હોવાથી કંપનીઓએ મોટાપાયે છટણી કરી હતી.
તાજેતરના નિયમનકારી ફાઇલિંગમાં એપલે જણાવ્યું હતું કે કંપની આશરે 1.61 લાખ કર્મચારીઓ ધરાવે છે. એમેઝોને આ સપ્તાહની શરૂઆતમાં છટણીના નવા રાઉન્ડની જાહેરાત કરી હતી, આ વખતે કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગ બિઝનેસ AWSમાં કર્મચારીઓમાં કાપ મૂકવાની યોજના ધરાવે છે. તાજેતરના મહિનાઓમાં વીડીયો ગેમ કંપની ઈલેક્ટ્રોનિક આર્ટ્સે જણાવ્યું હતું કે તે તેના કુલમાંથી 5 ટકા કર્મચારીઓમાં કાપ મૂકશે. સોનીએ જણાવ્યું હતું કે તેના પ્લેસ્ટેશન વિભાગમાં લગભગ 900 નોકરીઓની છટણી કરશે. સિસ્કો સિસ્ટમ્સે 4,000થી વધુ કામદારોની છટણીની જાહેરાત કરી હતી.