એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર અને તાઈવાનની અગ્રણી સેમીકન્ડક્ટર ઉત્પાદક ફોક્સકોને તેના નવા પ્રોજેક્ટ માટે બેંગલુરુમાં રૂ.300 કરોડમાં 300 એકર જમીન ખરીદી છે. આ સોદો તેની પેટાકંપની ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી મારફત કરાયો છે. ફોક્સકોન એપલની પ્રોડક્ટની સૌથી મોટી ઉત્પાદક છે. ફોક્સકોનના બેંગલુરુ પ્લાન્ટમાં એપલ પ્રોડક્ટ્સ ઉપરાંત અન્ય ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરવામાં આવશે.
એપલ ધીમે ધીમે ચીન પર પોતાનો આધાર ઘટાડી રહી છે અને ભારતમાં પણ તેની હાજરીમાં વધારો થયો છે. ભારતમાં ફોક્સકોનના બીજા રોકાણ પણ છે. આ ઉપરાંત તે હવે બેંગલુરુમાં પ્લાન્ટ સ્થાપી રહી છે જેથી તે ગ્લોબલ સપ્લાય ચેઈનને રિશેપ કરી શકશે.
ફોક્સકોનના ચેરમેન યંગ લુઈ માર્ચમાં સરકારી અધિકારીઓને મળવા માટે બેંગલુરુ આવ્યા હતા અને પ્રસ્તાવિત જમીન પણ જોઈ હતી. ફોક્સકોનના નવા પ્રોજેક્ટને સરકારે ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ નામ આપ્યું છે. ફોક્સકોન હાલમાં ગુજરાત, કર્ણાટક, તેલંગણા અને તમિલનાડુમાં હાજરી ધરાવે છે. કાઉન્ટરપોઈન્ટના એક્સપર્ટ માને છે કે ફોક્સકોન ચીન બહાર પોતાની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવા માંગે છે અને તેથી ભારતમાં હાજરી વિસ્તારી રહી છે.
રિસર્ચ કંપની આઈડીસી ઈન્ડિયાના એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ નવકેન્દર સિંહે જણાવ્યું કે ભારતમાં આઈફોનના વોલ્યુમની બાબતમાં એપલ છેલ્લા બેથી ત્રણ વર્ષથી સફળ રહી છે. 2020માં એપલે 27 લાખ આઈફોન બનાવ્યા હતા જેની સંખ્યા વધીને 2021માં 48 લાખ થઈ હતી. 2022માં કંપનીએ 67 લાખ આઈફોનનું ઉત્પાદન કર્યું હતું. આ વર્ષે આંકડો વધીને 90 લાખ સુધી જઈ શકે છે.
2022માં એપલના ‘મેડ ઈન ઈન્ડિયા’ આઈફોન શિપમેન્ટમાં વોલ્યુમની રીતે 65 ટકાનો વધારો થયો હતો જ્યારે વેલ્યૂની દૃષ્ટિએ 162 ટકાનો વધારો નોંધાયો હતો. આ વર્ષે વેદાંતા અને ફોક્સકોને સાથે મળીને ગુજરાત સરકાર સાથે કરાર કર્યા હતા. તે મુજબ ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉત્પાદન ફેસિલિટી શરૂ કરવામાં આવશે. તેલંગણામાં પણ કંપની એક ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ફેસિલિટી સ્થાપવા જઈ રહી છે. કર્ણાટક સાથે તુલના કરવામાં આવે તો ગુજરાતમાં સેમીકન્ડક્ટર પ્રોજેક્ટમાં ધીમી ગતિએ કામ થઈ રહ્યું છે.