કોવિડ રોગચાળાને કારણે ત્રણ વર્ષ પછી પહેલી વાર લંડનમાં પાર્લામેન્ટમાં 16મી નવેમ્બર, 2022ના રોજ જૈન ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હાઉસ ઑફ કૉમન્સમાં અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બેરોનેસ સ્કોટે 2022નો અહિંસા એવોર્ડ ડૉ. કુમારપાળ દેસાઈને એમના જૈનદર્શન, ગુજરાતી સાહિત્ય, શૈક્ષણિક પ્રદાન અને એન્સાયક્લોપીડિયા માટે આપ્યો હતો.
અહિંસા અને અનુકંપા એ જૈન ધર્મનો મહત્વનો સિદ્ધાંત છે અને જૈન સાધુ, સાધ્વી અને શ્રાવકો દ્વારા એનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.
લંડનમાં નિવાસ કરતા બે જૈન સમણીજીએ નવકારમંત્રનું ગાન કર્યા બાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ એચ. સંઘરાજકાએ ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિટીસના મિનિસ્ટર ઑફ ફેઈથ બેરોનેસ સ્કોટ તથા મહેમાનોનું સ્વાગત કરી 2019માં હાઉસ ઓફ કોમન્સમાં થયેલા વિચારવિમર્શને યાદ કર્યો હતો. દર વર્ષે કમ્પેશનના જીવંત ઉદાહરણ સમીપ વ્યક્તિઓને આ અહિંસા એવોર્ડ આપવામાં આવે છે.
એવોર્ડનો સ્વીકાર કરતા ડૉ. કુમારપાળ દેસાઈએ આયોજકોનો આભાર માન્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ચેરમેન નેમુભાઇ ચંદરયા (OBE)એ કહ્યું હતું કે ડૉ. કુમારપાળ દેસાઈએ ગુજરાતી અને જૈન ધર્મના શિક્ષણમાં અને સાહિત્યમાં મહત્વનું કાર્ય કર્યું છે. જૈન સાધુ- સાધ્વીઓને પણ એમના જ્ઞાનનો લાભ મળ્યો છે અને હવે પછીના વર્ષોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સાથે સફળતા મેળવતા રહે.’’
સંસ્થાના ચેરમેન ગેરથ થોમસ, એમ.પી.એ સૌનું સ્વાગત કરી ભારત, યુ.કે.ના વ્યાપાર અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘’બંને દેશોના સંબંધો બાંધવા માટે સ્કૂલમાં ગુજરાતી ભણાવવું અત્યંત આવશ્યક છે.’’
નેશનલ સ્ટેટેસ્ટીકની કૉમ્યુનિટી આઉટરીચ અને એંગેજમેન્ટની ઓફિસમાં કાર્ય કરતાં એમિલી સ્ટીડસ્ટોને સેન્સસ અંગેની લેટેસ્ટ માહિતી આપી કહ્યું હતું કે, ‘’ધર્મ અને જાતિ અંગેની માહિતી થોડા અઠવાડિયામાં સૌને મળતી થઈ જશે.’’
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ તે સંસ્થા સાથે સહયોગ કરી 2023માં યુ.કે.ના જૈનો અંગેની વસ્તીગણતરી અને એની વિશેષતાઓનું એનાલિસીસ પ્રગટ કરવાનું જાહેર કર્યું હતું.
જૈન ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ પાર્ટીના ડેપ્યુટી ચેરમેન બોબ બ્લેકમેને (એમ.પી.) વસ્તીગણતરીનું સ્વાગત કરી કહ્યું હતું કે, ‘’આ માહિતીને લીધે જૈનોની ડાયેટરી, જૈનોની આહાર, શિક્ષણ અને કમ્યુનિટીની જરૂરિયાતો સંતોષાશે.’’
છેલ્લે યુનિવર્સિટી ઑફ બર્મિંગહામે ધર્મનાથ સ્વામી ચેર ઇન જૈન સ્ટડીઝની સ્થાપનાની ઘોષણા કરી હતી. આને માટે વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ, શાહ ફાઉન્ડેશન તેમજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ આપેલા સહયોગને સૌએ યાદ કર્યો હતો. આની ઉજવણી કરતાં ફિલોસોફી,
થિયોલોજી અને રીલિજીયન સ્કૂલના હેડ પ્રો. શાર્લોટ હેમ્પલે યુનિવર્સિટીના ધ્યેય અને વિઝનની વાત કરી હતી. જ્યારે પ્રોફેસર ઑફ ફિલોસોફી ઑફ રીલિજીયનના અધ્યાપક યુજીન નાગાસાવાએ બર્મિંગહામમાં થઈ રહેલા ફિલોસોફી અને ધર્મોના અભ્યાસ વિશે વાત
કરી હતી. યુનિવર્સિટીમાં જૈન ધર્મ પર પોસ્ટ ડૉક્ટરલ રિસર્ચ કરનારા ડૉ. મેરી-હેલેન-ગોરીસે યુનિવર્સિટીમાં ભણાવાતા કોર્સ અંગે માહિતી આપી હતી. આગામી એકેડેમિક વર્ષમાં જૈન સ્ટડીઝના અભ્યાસક્રમની સાથે આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ ઇન જૈન સ્ટડીઝ એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ એથિક્સ ઑફ નોનવાયોલેન્સ અને પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ ફેલોશીપ જૈન સ્ટડીઝમાં આપવામાં આવશે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખ મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.