- એક્સક્લુસીવ
- બાર્ની ચૌધરી
રાજકુમાર હતા ત્યારે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટપણે બોલતા કિંગ ચાર્લ્સને વરિષ્ઠ સાઉથ એશિયન અને અશ્વેત નેતાઓએ વિનંતી કરી છે કે તેમના સમુદાયો બ્રિટનના ભવિષ્ય પર મજબૂત પ્રભાવ ધરાવે તે માટે તેઓ જરૂરી તકેદારી રાખે. ચિંતા કરતા વિવિધ મુદ્દાઓમાં આબોહવા પરિવર્તનના જોખમો, સજીવ ખેતીના ફાયદાઓ, વંચિત યુવાનોને અવગણવાનાં જોખમો તેમજ ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. વિવિધ નેતાઓએ આ અંગે ગરવી ગુજરાત સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
પેરી બાર લેબર સાંસદ ખાલિદ મહમૂદે જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે કિંગ ચાર્લ્સ બધા ધર્મો માટેનો ખૂબ જ આદર હંમેશની જેમ ચાલુ રાખશે. તેઓ રેસ રિલેશન્સ અને કોમ્યુનિટી રિસેશન્સ પ્રત્યે ખૂબ જ સારૂ વલણ ધરાવશે.’’
ફેલ્ધામ અને હેસ્ટનના લેબર સાંસદ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “તેઓ એશિયન સમુદાયો તેમની સાથે આવકાર અને સન્માન અનુભવશે. મને ખાતરી છે કે તેઓ યુકેના પોલીસી મેકર્સ અને જાહેર અગ્રણીઓને કાર્યક્રમોમાં આમંત્રિત કરી રૂમમાં એશિયન સમુદાયોનો અવાજ ઉભો કરશે.”
બીબીસીને એક ઇન્ટરવ્યુમાં કિંગ ચાર્લ્સે સ્વીકાર્યું હતું કે તેઓ હવે પહેલા જેટલા સ્પષ્ટવક્તા રહેશે નહિં અને કેટલીક સખાવતી સંસ્થાઓ અને સંસ્થાઓના પેટ્રન કે પ્રમુખ બનવામાં ઘટાડો કરવો પડશે.
2007માં પ્રિન્સ ચાર્લ્સે સ્થાપેલા બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT)ના ટ્રસ્ટી, નિહાલ અર્થનાયકેએ કહ્યું હતું કે “તેમણે પહેલેથી દક્ષિણ એશિયન સમુદાયો, ડાયસ્પોરા અને તે દેશો તથા તેના મુદ્દાઓ પ્રત્યે તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે દક્ષિણ એશિયાના મુદ્દાઓ માટે તેમના પ્રભાવ અને સત્તાનો ઉપયોગ કરવો પડશે. આશા છે કે તેઓ આમારા પેટ્રન તરીકે ચાલુ રહેશે. પરંતુ આ કામ રાજકારણીઓએ કરવાનું છે.‘’
કિંગ ચાર્લ્સને ઘણી વખત મળેલા લેસ્ટરના વરિષ્ઠ ઇમામ, શેખ ઇબ્રાહિમ મોગરાએ તેમને તમામ ધર્મોને મદદ કરવા અને ઇસ્લામોફોબિયાની સંમત અને સ્વીકૃત વ્યાખ્યા આપવા અને તેમનો અવાજ ઉમેરવા વિનંતી કરી હતી.
કેટલાક સાંસદોએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’અમને વિશ્વાસ છે કે નવા રાજા દક્ષિણ એશિયાઈ સમુદાયોને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખશે.’’
લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે ‘’કિંગ ચાર્લ્સ ઇન્ટરફેઇથ બાબતો સાથે સંકળાયેલા છે અને ખૂબ વિચારશીલ છે. તે ભારતના અદ્ભુત, મહાન મિત્ર છે અને ભારતને પ્રેમ કરે છે. મને લાગે છે કે તે ખરેખર વૈવિધ્યસભર બ્રિટન માટે ચેમ્પિયન બનવાનું ચાલુ રાખશે.”
લેબર સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું કે “દક્ષિણ એશિયાઈ સમુદાયો યુકે માટે બીજા બધાની જેમ જ એક ભાગ અને મહત્વપૂર્ણ છે અને રાજા અને અને વિશાળ શાહી પરિવાર તે કરવાનું ચાલુ રાખશે.”
એમપી વેલેરી વાઝે કહ્યું હતું કે “હું જાણું છું કે કિંગ ચાર્લ્સ તેમની માતાની જેમ જ આગળ વધશે અને એશિયન સમુદાયો તેમને ટેકો આપશે. તેઓ હંમેશા અન્ય ધર્મો અને સમુદાયો વિશે જાણવા માટે ખુલ્લા છે અને મને ખાતરી છે કે યુકેના તમામ નાગરિકોને ચેમ્પિયન કરવાનું ચાલુ રાખશે.”
સ્લાવના સાંસદ, ટેન ધેસીએ કહ્યું હતું કે “કિંગ ચાર્લ્સ III નિઃશંકપણે મહાન પરંપરાઓને આગળ ધપાવશે, આંતરરાષ્ટ્રીય સમુદાયો અને આપણા મહાન રાષ્ટ્રને એકસાથે લાવશે. તેમનામાં શીખ લશ્કરી ઇતિહાસ અને વારસાની ઉત્કૃષ્ટ સમજ, રસ અને જ્ઞાનને હું જોઈ શકતો હતો.”
કિંગ ચાર્લ્સને અપીલ કરનારા અગ્રણીઓમાં ઓપરેશન બ્લેક વોટના સ્થાપક અને નિર્દેશક અને હોમર્ટન કોલેજ, કેમ્બ્રિજના પ્રિન્સિપાલ લોર્ડ સાયમન વૂલી, અભિનેતા, નીતિન ગણાત્રા, બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. ચાંદ નાગપોલ, યુગાન્ડાના માનદ કોન્સલ જનરલ જાફર કપાસી, રોમમાં યુગાન્ડાના રાજદૂત મુમતાઝ કાસમ, કાફે સ્પાઈસ નમસ્તેના માલિક સાયરસ ટોડીવાલાએ પણ કિંગ ચાર્લ્સ પ્રતિ શ્રધ્ધા વ્યક્ત કરી હતી.