બ્રિટિશ સંસદીય જૂથના સભ્યો સમક્ષ કાશ્મીરમાં માનવાધિકારના કથિત ઉલ્લંઘનને ઉજાગર કરવા અને કાશ્મીરીઓ માટે ન્યાય મેળવવાના હેતુથી પાકિસ્તાન અને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મિરની યાત્રા માટે પાકિસ્તાનની સરકારે ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ ઓન કાશ્મીરને 30 લાખ રૂપિયા ફાળવ્યા હોવાનું બહાર આવ્યું છે.
ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ (APGG)ના રજિસ્ટર બતાવે છે કે APGG ઓન કાશ્મીરના અધ્યક્ષ અને લેબર સાંસદ ડેબી અબ્રાહમ્સને તા. 18 ફેબ્રુઆરી, 2020ના રોજ £31,501 અને £33,000ની વચ્ચેની રકમ ચૂકવવામાં આવી હતી. £1,500થી વધુ રકમના દાનને જાહેર કરવાના નિયમ અંતર્ગત આ રકમ જાહેર કરાઇ હતી. અબ્રાહમ્સને આ વર્ષે 17 ફેબ્રુઆરીના રોજ તેમના સહાયક હરપ્રીત ઉપ્પલ સાથે દિલ્હી પહોંચ્યા બાદ ભારતે તેમના ઈ-વિઝા માન્ય નથી એમ કહી દુબઇ ડીપોર્ટ કર્યા હતા. જેઓ ત્યાંથી બીજા જ દિવસે પાકિસ્તાન ગયા હતા અને પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનને મળ્યાં હતાં. જેનુ તમામ ભંડોળ પાકિસ્તાન સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું.
તે પૂર્વે 17 સપ્ટેમ્બર, 2018ના રોજ લંડન સ્થિત પાકિસ્તાની હાઈ કમિશને “પાકિસ્તાન અને કાશ્મીરની મુલાકાત” માટે આ જૂથને £10,501 અને £12,000 ની વચ્ચેનો લાભ આપ્યો હતો. બુધવારે આ જૂથે કાશ્મીર પર વધુ ચર્ચા કરવા માટે મિનીસ્ટર ફોર સાઉથ એશિયા લોર્ડ અહમદ સાથે વીડિયો મીટિંગ કરી હતી.
ત્યારબાદ લોર્ડ અહેમદે ટ્વીટ કર્યું હતું કે “APPGKના ડેબી અબ્રાહમ્સ અને સાથીદારો સાથે સારી ચર્ચા થઇ. મેં માનવ અધિકારના રક્ષણ અને સમર્થન માટે તમામની જરૂરિયાતને વધુ મજબૂત બનાવી. યુકે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસ લાવવાના પ્રયત્નોને પ્રોત્સાહિત કરે છે.” અબ્રાહમ્સે જવાબ આપ્યો હતો કે “APGG કાશ્મીરમાં માનવ અધિકારને સમર્થન આપવા માટે તમારી સાથે કામ કરવા ઇચ્છે છે.”
આ બેઠકમાં ભાગ લેનારા સ્લાઉના સાંસદ ટેન ઢેસીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે “મેં ચીન, ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર ક્ષેત્રમાં વધી રહેલા તનાવ અંગે ચિંતા વ્યક્ત કરી મિનીસ્ટરને ચૂંટાયેલા નેતાઓને મુક્ત કરવા અને તેમના માનવાધિકારની સુરક્ષા થાય તે સુનિશ્ચિત કરવા તેમના સમકક્ષો પર દબાણ કરવા જણાવ્યું હતું. મેં તેમને ભલામણ કરવા વિનંતી કરી હતી કે કરતારપુર સાહેબ કોરિડોર વહેલી તકે ખોલવામાં આવે.”