નોર્થ વેસ્ટ લંડનના ડેન્હામના ધ લી – વેસ્ટર્ન એવન્યુ સ્થિત અનુપમ મિશન ખાતે તા. 15-7-2022ના રોજ ઓમ ક્રિમેટોરિયમનું ભૂમિ પૂજન ગુરૂહરી સંત ભગવંત પ. પૂ. જશભાઇ સાહેબની ઉપસ્થિતીમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચારો સાથે સંપન્ન થયું હતું. આ પ્રસંગે નોર્થ વેસ્ટ લંડનના એમપીઓ, સામાજીક અગ્રણીઓ સંસ્થામાં સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં. તમામ મહેમાનોનું ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરાયું હતું.
ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમા ચેરમેન અને અનુપમ મિશનના વરિષ્ઠ સંત શ્રી મનોજભાઇ સોની અને સંત શ્રી અશોક દાસજીએ શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરાવતાં જણાવ્યું હતું કે ‘’આ ધરતી આપણી માતા છે અને અનાજ ધાન્ય, પાણીથી લઇને સર્વસ્વ આપે છે. જ્યારે આપણે ધરતી પર મકાન કે અન્ય બાંધકામ કરીએ છીએ ત્યારે તેના પર કરાતા ખોદકામ અને ભારે મશીનોને કારણે તેને પણ વ્યથા પહોંચે છે. આથી આજે આપણે આ ભૂમિ પૂજન દ્વારા પ્રાર્થનાઓ કરી ધરતી માતાની ક્રિમેટોરિયમના નિર્માણ માટે મંજૂરી અને આશિર્વાદ મેળવીએ છીએ. ‘’
શ્રી મનોજભાઇએ ઉપસ્થિત સૌ કોઇ સમજી શકે તે માટે શ્લોકો સિવાય ઇંગ્લિશ ભાષામાં આપણા શાસ્ત્રોમાં જણાવેલા મનુષ્યના સોળ સંસ્કારો અંગે માહિતી આપી હતી અને છેલ્લા સંસ્કાર અંતિમ સંસ્કારનું મહત્વ જણાવી અનુપમ મિશન કઇ રીતે કેવા સંજોગોમાં ઓમ ક્રિમેટોરિયમની પ્લાનીંગ પરમિશન મેળવવામાં સફળ થયું તે અંગે માહિતી આપી હતી. આ પરપઝબિલ્ટ ક્રિમેટોરિયમ માત્ર હિન્દુઓ જ નહિં શીખ, જૈન અને અન્ય સમુદાયના લોકોને પણ સેવાઓ આપશે. તેમણે પૂજા શરૂ કરતા પહેલા પ. પૂ. સાહેબજી અને સંસ્થાના વરિષ્ઠ સંત શાંતિ દાદાના અશિર્વાદ મેળવ્યા હતા.
શ્રી મનોજભાઇએ જણાવ્યું હતું કે ‘’હિન્દુઓ માને છે કે મૃત્યુ તો આ નશ્વર દેહનું થાય છે જ્યારે આત્મા તો અજર અને અમર છે. નશ્વર દેહ સુયોગ્ય અને શાસ્ત્રોક્ત રીતે પંચ મહાભૂતમાં મળે તે જરૂરી છે. જ્યારે આત્મા તેની યાત્રા ચાલુ રાખે છે અને ભગવાન જે યોનીમાં જન્મ લેવાનું કહે ત્યાં તે આત્મા જન્મ લે છે.’’
આ પ્રસંગે ડેન્હામ મંદિરના મહંત અને અગ્રણી હિંમત સ્વામીએ શ્રીફળ વધેર્યું હતું. ધામેચા કેશ એન્ડ કેરીના પ્રદિપભાઇ ધામેચા, કંતેશભાઇ પોપટ, સંત શ્રી અશ્વિનભાઇ, સંસ્થાના ટ્રસ્ટી સતીષભાઇ ચતવાણી, સંજયભાઇ જગતીયા સહિત કુલ 10 અગ્રણીઓએ ભૂમિ પૂજન વિધિમાં ભાગ લીધો હતો. ગૌતમ દાસજી, નિલેશ દાસજી અને અન્ય સંતે બાધકામ માટે વપરાતા ત્રિકમને તિલક કરી પૂજા કરી હતી. પ. પૂ. સાહેબજી, પૂ. શાંતિદાદા, પૂ. સતીશભાઇ ચતવાણી, અશ્વિન દાદા, પ્રદિપભાઇ ધામેચા તેમજ ઉપસ્થિત સર્વે અગ્રણીઓએ ત્રિકમ વડે ખાડા ખોદી ભૂમિ પૂજન કર્યું હતું.
ભૂમિ પૂજન કાર્યક્રમ બાદ પ્લાનિંગ પરમિશન મેળવવા માટેની જટીલ કામગીરીમાં મદદરૂપ થયેલા સૌનો આભાર માનવા અને માહિતી આપવા એક કાર્યક્રમનું આયોજન મંદિરમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધન કરતાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી સતીષભાઇ ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતિતાનંદ સ્વામી મહારાજના અશિર્વાદ અને પ્રેરણાના કારણે આ પૂજન થઇ શક્યું છે. આજે સંસ્થાના વરિષ્ઠ સંત શ્રી અશ્વિનભાઇનો જન્મ દિવસ છે અને તેની ઉજવણી કરવા આ કાર્યક્રર્મનું આયોજન આજે તા. 15ના રોજ રાખવામાં આવ્યું હતું જેથી તેમની સેવાઓને અનુમોદન મળે. પૂ. સાહેબે જ પૂ. અશ્વિનભાઇને તા. 21 મેના રોજ સંસ્થાનું સુકાન સોંપ્યું હતું.’’
શ્રી સતીષભાઇએ જણાવ્યું હતું કે ‘’ઓમ ક્રિમેટોરિયમનો આઇડીયા લોર્ડ ડોલર પોપટનો હતો તેમણે જ પૂ. સાહેબજીને એક મુલાકાત દરમિયાન આ માટે સૂચન કર્યું હતું. સાહેબજીએ ભારત ખાતે પૂ. શાંતિદાદા, અશ્વિનભાઇ અને મનોજભાઇ સોનીને આ અંગે જાણ કરી તેમનો અભિપ્રાય અને શાસ્ત્રની જોગવાઇને જાણી હતી. જેમાં ક્રિમેટોરિયમ બનાવી શકાય છે તેવા અભિપ્રાય બાદ પૂ. સાહેબજીએ તેના માટે મંજૂરી આપતા કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. લોર્ડ ગઢીયાએ પણ ક્રિમોટોરિયમના સ્થાપના માટેની અપીલમાં જુબાની આપી સંસ્થાને ખૂબ જ મદદ કરી હતી.’’
શ્રી ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’મંદિર દ્વારા કરાયેલી ક્રિમેટોરિયમની અરજીને પહેલા જ ધડાકે નવેય કમીટી મેમ્બરે નકારી કાઢી હતી. તેની અપીલ કરવાનો નિર્ણય ખર્ચાળ અને જોખમી હોવા છતાં અપીલમાં જીતની સફળતા 50 – 50 ટકા હોવાના અભિપ્રાય બાદ પણ પૂ. સાહેબજીએ 100 ટકા જીત અપણી જ થશે તેવા અશાવાદ સાથે પાલ કરવા કહ્યું હતું. આ માટે 30-35 જેટલા પ્રોફેશનલનો સંપર્ક કરાયો હતો. બધા લોયર્સ અને ટીમ મેમ્બર્સે ખૂબ જ જગેમત ઉઠાવી હતી જેને સફળતા સાંપડી હતી.’’
આ પ્રસંગે અપીલમાં જીત માટે જવાબદાર પ્લનિંગ કન્સલ્ટન્ટ જેરાર્ડ સ્વીંગી અને બેરિસ્ટર પીટર ગોટ્રી QCનું તેમણે આપેલી સેવો બદલ સન્માન કરાયું હતું. તો ઉપસ્થિત એમપીઓ સર્વ શ્રી વિરેન્દ્ર શર્મા, ગેરેથ થોમસ, નવેન્દુ મિશ્રા, બેરી ગાર્ડીનર, લંડનના ડાપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ, હેરો કાઉન્સિલના નેતા પીટર મેસનનું બહુમાન કરી નિલકંઠવર્ણીની પ્રતિમા ભેટ અપાઇ હતી.
ગ્રીનબેલ્ટમાં ક્રિમેટોરિયમના નિર્માણ માટેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભાવિષાબેન પટેલનો આભાર વ્યક્ત કરાયો હતો. એજ રીતે આ શુભ કાર્ય માટે ટેકો આપનાર વિવધ મંદિરો અને સહી કરનાર 2000 લોકોનો આભાર વ્યક્ત કરાયો હતો.
પૂ. જશભાઇ સાહેબે આ ક્રિમેટોરિયમની રચના માટે મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કરી અશ્વિનભાઇને જન્મ દિનની શુભચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘’આજે ખૂબ જ આનંદનો શોખ હતો. દુનિયાના બધા ભગવાન પ્રજાનું ભલુ કરવા આવ્યા છે. યોગી બાપાએ BAPSની સ્થાપના કરી હતી અને તેમણે જ યોગી સ્વામી, પ્રમુખ સ્વામી તથા મહંત સ્વામી સહિત કેટલાય સંતોની સંસ્થાને ભેટ આપી છે. લોર્ડ ડોલર પોપટે ખૂબ જ સાચા સમયે આ માટે ભલામણ કરી હતી. લોર્ડ ગઢીયા, ગરવી ગુજરાતના મેનજીંગ તંત્રી કલ્પેશ સોલંકી, પ્રદીપભાઇ ધામેચા, રમેશભાઇ કણસાગરા, નિલેશભાઇનો આભાર વ્યકત કરાયો હતો.’’
પૂ. સાહેબે જણાવ્યું હતું કે ‘’યોગીજી મહારાજ કહેતા કે પરસ્પર પ્રેમ પ્રગટાવવો તે ધર્મ છે. બધાને મદદરૂપ થવું જોઇએ. જો સૌ કોઇ એક થઇને કાર્ય કરે છે તો જરૂર સફળતા મળે. બધા એમપી પધાર્યા તેથી ઘણો આનંદ થોયો. દાતાઓ તરફથી દાન મળી રહ્યા છે તે જોઇને અમારો ઉત્સાહ વધી ગયો છે અને આશા છે કા આગામી 12થી 18 માસમાં કાર્ય પૂર્ણ થશે.’’
પૂ. સાહેબે આ પ્રસંગે મહાત્યમા ગાંધીની દાંડી કૂચ, ઇગ્લિશ લોકોની ધર્મ પ્રિયતાની માહીતી આપી હતી. યોગેશ નકારજાએ પ્રાગીક પ્રવચન કરી કઇ રીકે અનુપમ મિશન સાકાર થયું હતું તે જણાવ્યું હતું. પૂ. સાહેબ તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોને માન આપ્યા છે અને આ ઓમ ક્રિમેટોરિયમ માટે સમાજના લોકોના અભિપ્રાય જાણવા માટે તા. 30-07-2022ના રોજ સવારે 10- કલાકે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
શ્રી ચતવાણીએ લોર્ડ ડોલર પોપટ ગુરૂ પૂર્ણિમા પ્રસંગે ભારત ગયા હોવાથી તેમણે મોકલાવેલો સંદેશો તેમજ લોર્ડ ગઢીયા ઉપસ્થિત ન હોવાથી તેમનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો.
કાર્યક્રમના અંતે ભાવિષાબેને સૌનો આભાર માન્યો હતો અને સૌ પ્રસાદ લઇ છૂટા પડ્યા હતા.