Anuj Chande (Picture: www.grantthornton.in)

કોર્પોરેટ ફાઇનાન્સ પાર્ટનર અને ઇન્ડિપેન્ડન્ટ એસ્યોરંશ, ટેક્સ એન્ડ એડવાઇઝરી ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન ખાતે સાઉથ એશિયા જૂથના વડા તરીકે સેવાઓ આપતા અનુજ ચાંદેને આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ માટેની સેવાઓ બદલ OBE એનાયત કરવામાં આવ્યો છે.

શ્રી ચાંદેએ બ્રિટન અને ભારત વચ્ચે ભાગીદારી બાંધવામાં ત્રણ દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. તેમણે યુકેમાં ભારતીય રોકાણને આકર્ષવામાં અને ભારતમાં રોકાણ જાય તે માટે ઘણું કામ કર્યું છે. તો સંખ્યાબંધ ભારતીય કંપનીઓને લંડન શેરબજારમાંથી નાણાં એકત્ર કરવામાં મદદ કરી હતી અને યુકેમાં ભારતીય કંપનીઓ માટે ટાટા મોટર્સ દ્વારા જેગ્વાર લેન્ડ રોવર (JLR)ના સંપાદન સહિત સંખ્યાબંધ સંપાદન વ્યવહારોમાં સામેલ હતા.

2013થી, યુકેમાં કાર્યરત ભારતીય કંપનીઓ પરની નિર્ણાયક માર્ગદર્શિકા ઈન્ડિયા મીટ બ્રિટન ટ્રેકર રિપોર્ટના આર્કિટેક્ટ શ્રી ચાંદેએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “મેં સૌપ્રથમ 1991માં યુકેના પરિપ્રેક્ષ્યમાં ભારતની સંભવિતતાને જોવાનું શરૂ કર્યું હતું. તે વર્ષોમાં હું એકલો હતો. પરંતુ, આ વર્ષે આશા છે કે યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાથે, સંબંધો અને સંભાવનાઓ હવે વિકસશે અને વધુ ઊંચાઈએ જશે. સાઉથ એશિયાના લોકો માટે બ્રિટનમાં તેમના યોગદાન માટે માન્યતા પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે. સાઉથ એશિયાઈ ડાયસ્પોરા માત્ર આર્થિક જ નહીં, પણ સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય રીતે પણ મોટું યોગદાન આપે છે. અમે આ દેશ માટે ઘણું યોગદાન આપીએ છીએ. આપણામાંથી મોટા ભાગના ઇમિગ્રન્ટ્સ છીએ અને મને લાગે છે કે સમાજ માટે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે કે ઇમિગ્રેશન સારું છે અને દેશને મદદ કરી શકે છે.”

LEAVE A REPLY