ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (ICMR) તરફથી 14 જૂનથી 16 જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વેનો રિપોર્ટ બુધવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવ્યો છે. દેશના 70 જિલ્લામાં ICMRનો આ ચોથો સીરો સર્વે છે. કોઇ પ્રદેશ કે રાજ્યની વસતિના બ્લડ સીરમમાં એન્ટીબૉડીના લેવલને સીરોપ્રિવલેંસ અથવા સીરોપોઝિટિવિટી કહેવામાં આવે છે. દેશના 21 રાજ્યોમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે અહીંની બે તૃતિયાંશ વસ્તીમાં કોરોના વાયરસ એન્ટીબૉડી ડેવલપ થઈ છે.
એન્ટીબૉડી ડેવલપ થવાના મામલે 79 ટકાની સાથે મધ્ય પ્રદેશ સૌથી આગળ છે, જ્યારે ફક્ત 44.4 ટકા એન્ટીબૉડી સાથે કેરળ સૌથી પાછળ છે. ચિંતાની વાત એ છે કે અત્યારે દેશમાં સૌથી વધારે સંક્રમણના કેસ કેરળથી જ સામે આવી રહ્યા છે. આ પરિણામોને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સલાહ આપી છે કે તેઓ ICMRના દિશા-નિર્દેશોમાં પોતાની ખુદની સીરો પ્રિવલેંસ સ્ટડી કરાવે. એ સીરો સર્વેના પરિણામોને કોરોનાના સારા નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાશે. ICMRનો સીરો સર્વે રાષ્ટ્રીય સ્તરે કોવિડ ઇન્ફેક્શનના ફેલાવાને સમજવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
ગુજરાત 75.3 ટકા એન્ટીબૉડી સાથે ચોથા નંબર પર છે. રાજસ્થાન (76.2 ટકા) બીજા નંબરે અને બિહાર (75.9 ટકા) સાથે ત્રીજી નંબર પર છે. ઉલ્લેખનીય છે કે કોઈ વસ્તીના બ્લડ સીરમમાં એન્ટીબૉડીની હાજરીને શોધવાના ટેસ્ટને સીરો સ્ટડી અથવા સીરો સર્વે કહેવામાં આવે છે. જો આ ટેસ્ટમાં કોઈ વ્યક્તિમાં એન્ટીબૉડીનું સ્તર ઘણું વધારે મળે છે તો તેનાથી સમજવામાં આવે છે કે એ વ્યક્તિને ઇન્ફેક્શન પહેલા થઈ ચૂક્યું છે.
આનાથી કોરોનાની હાજરી અને તેના સંક્રમણના ટ્રેન્ડને મૉનિટર કરવામાં મદદ મળે છે. સામાન્ય રીતે સીરો ટેસ્ટ એવી વસ્તી પર કરવામાં આવે છે, જેના પરિણામો આખા દેશની વસ્તી પર ઉપયોગ કરી શકાય. વસ્તીની પસંદગી અનેક સેમ્પલિંગ તકનીકથી કરવામાં આવે છે. સીરો સર્વે મોટા પ્રમાણમાં વસ્તી પર કરવાની જરૂર નથી હોતી.