બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે ડ્રગ સંબંધિત ગુનાઓ અને ક્રીમીનલ ગેંગના સદસ્યોને સજા કરવા પોલીસને વધારાની સત્તાઓ આપીને સમુદાયોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે એક નવો એન્ટી સોસ્યલ બીહેવીયર એક્શન પ્લાન શરૂ કર્યો છે. નવી તાત્કાલિક ન્યાય યોજના હેઠળ, જેઓ અસામાજિક વર્તણૂક કરતા જોવા મળશે તેમની સામે ગુનાના 48 કલાકની અંદર જ પગલા લેવાશે.
આવા અપરાધીઓને હાઇ-વિઝિબિલિટી વેસ્ટ અથવા જમ્પસુટ પહેરાવીને અધિકારીઓની દેખરેખ હેઠળ કોમ્યુનિટી વર્કની સજા કરવામાં આવશે. તેમને કરેલા ગુનાઓ મુજબ સજા તરીકે કચરો ઉપાડવો, ગ્રેફિટી દૂર કરવી અને પોલીસની કાર ધોવા જેવી સજા કરાશે. ન્યાય નજરે પડે તેવો અને ગુના માટે બંધબેસતો છે તેની ખાતરી કરવા માટે અસામાજિક વર્તણૂકનો ભોગ બનેલા સ્થાનિક સમુદાયના પીડિતોને અપરાધીઓને કરાતી સજા માટે અભિપ્રાય આપવામાં આવશે.
સુનકે કહ્યું હતું કે ‘’સામાન્ય માણસ જેને પોતાનું ઘરે કહે છે ત્યાં સલામતી અનુભવવાના તેમના મૂળભૂત અધિકારને અસામાજિક વર્તણૂક કરતા લોકો નબળો પાડે છે. જનતા પાસે પૂરતા અધિકાર હોવા જોઇએ. માટે જ હું લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છું અને જવાબદારોને ઝડપથી અને દેખાય તેવી સજા કરવામાં આવશે. આ એક્શન પ્લાન બતાવશે કે અમે કેવી રીતે આ મુદ્દાને લાયક છીએ, કઇ રીતે તેનો સામનો કરીશું અને આ ગુનાઓને દૂર કરીશું. જેથી તમે જ્યાં પણ રહો છો, તમે સુરક્ષિત અનુભવી શકો અને તમારા સમુદાય પર ગર્વ અનુભવી શકો.”
આ યોજના હેઠળ ઝીરો ટોલરન્સ એપ્રોચ દર્શાવી નાઈટ્રસ ઑક્સાઈડ અથવા “લાફિંગ ગેસ”ને પ્રતિબંધિત કરાશે. હવે ઈંગ્લેન્ડમાં 16 થી 24 વર્ષની વયના લોકોમાં આ ડ્રગ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ત્રીજા નંબરની ડ્રગ તરીકે નોંધાઈ છે અને તે ઉપદ્રવ અથવા અસામાજિક વર્તણૂક માટે જવાબદાર છે.
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, “હંમેશા મારી પ્રાથમિકતા રહી છે કે પોલીસને ગુનાખોરીને ઘટાડવા માટે સામાન્ય સમજણનો અભિગમ આપવા માટે જરૂરી સત્તાઓ આપવી. યુકે પોલીસને ગેરકાયદેસર ડ્રગના ઉપયોગ પર કડક કાર્યવાહી કરવા માટે નવી સત્તાઓ પણ આપવામાં આવશે. જેથી તેઓ વધુ શંકાસ્પદ ગુનેગારો તથા ડ્રગ્સનું ટેસ્ટીંગ કરી શકશે.’’