કેનેડામાં ભારતીય હાઇકમિશનનની બહાર શીખોના એક જૂથે વિરોધી દેખાવો કર્યા પછી ભારતે રવિવાર (26 માર્ચે)એ કેનેડાના રાજદૂતને સમન્સ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કેનેડિયન મીડિયાના જણાવ્યા મુજબ સેંકડો લોકો શનિવારે (25)એ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર એકઠા થયા હતા, જે એક ભાગેડુ શીખ અલગતાવાદી અમૃતપાલ સિંઘ સામેની ભારતમાં કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશન અને વાણિજ્ય દૂતાવાસની બહાર ઉગ્રવાદી અને અલગતાવાદી જૂથોના વિરોધી દેખાવ અંગે તેમની આશંકા વ્યક્ત કરવા શનિવારે કેનેડિયન હાઈ કમિશનરને બોલાવ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એવી અપેક્ષા છે કે કેનેડાની સરકાર અમારા રાજદ્વારીઓ અને અમારા રાજદ્વારી પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરવા પગલાં લેશે, જેથી કરીને તેઓ તેમના સામાન્ય રાજદ્વારી કાર્યોને પૂર્ણ કરી શકે.”
ભારતમાં કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંઘ સામે એક સપ્તાહથી સર્ચ કાર્યવાહી ચાલે છે. અમૃતપાલના 100 સમર્થકોની ધરપકડ કરાઈ છે. અમૃતપાલ સિંઘ ખાલિસ્તાનની માગણી કરી રહ્યો છે. ભારતમાં અમૃતપાલ સિંઘ સામેની કાર્યવાહીની ટીકા કરનારા અગ્રણી શીખ કેનેડિયનોના ટ્વીટરે ભારતના યુઝર્સ માટે એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા. સાંસદ જગમીત સિંઘનું એકાઉન્ટ પણ બ્લોક કરાયું હતું. મીડિયા અહેવાલો અનુસાર પંજાબ સ્થિત ઘણા પત્રકારો અને શીખ સમુદાયના અગ્રણી સભ્યોના ટ્વિટર એકાઉન્ટ્સ પણ બ્લોક કરાયા હતા.
ગયા સપ્તાહે અમૃતપાલના સિંઘના કેટલાક સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસીને તોડફોડ કર્યા બાદ ભારતે સૌથી વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને પણ સમન્સ કર્યા હતા.સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસના દરવાજા અને બારીઓ તોડી નાખ્યા બાદ ભારતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેમજ નવી દિલ્હીમાં યુએસ એમ્બેસી સમરક્ષ પણ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. પંજાબમાં 58 ટકા શીખ અને 39 ટકા હિંદુ છે. પંજાબ 1980 અને 1990ના દાયકાની શરૂઆતમાં ખાલિસ્તાન માટે હિંસક અલગતાવાદી ચળવળથી હચમચી ઉઠ્યું હતું જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.