નોર્થ-ઇસ્ટ લંડનના હેકનીમાં યહૂદી સમુદાયના 3 સભ્યો પર શ્રેણીબદ્ધ એન્ટી સેમિટિક હુમલા માટે ડ્યુઝબરી, વેસ્ટ યોર્કશાયરના 30 વર્ષના અબ્દુલ્લા કુરેશીને ગુરુવાર, 11 નવેમ્બરના રોજ સ્ટ્રેટફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને ગુરુવાર, 8 ડિસેમ્બરના રોજ સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટમાં સજા માટે હાજર થવા માટે જામીન આપવામાં આવ્યા હતા.
18 ઓગસ્ટ 2021ની સાંજે લંડનના સ્ટેમફર્ડ હિલ વિસ્તારમાં બે કલાકના સમયગાળામાં ત્રણ જણા પર એન્ટી સેમિટિક હુમલા કરાયા બાદ તપાસ શરૂ કરાઇ હતી. સ્થાનિક પોલીસિંગ ટીમના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટર યાસ્મીન લાલાનીએ જણાવ્યું હતું કે “આ પરિણામ દર્શાવે છે કે મેટ પોલીસ કોઈપણ પ્રકારના ભેદભાવ અથવા દુરુપયોગને સહન કરશે નહીં. લંડન વૈવિધ્યસભર શહેર છે અને અપમાનજનક દુર્વ્યવહાર અને ઉત્પીડનને આધિન થવું તે તે આપણાં સમુદાયના અમુક વર્ગો માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
18 ઓગસ્ટ 2021 ના રોજ સાંજે 6.41 કલાકે કેઝેનોવ રોડ પર એક 30 વર્ષીય વ્યક્તિને માથામાં બોટલ વડે મારવામાં આવ્યું હતું. તેને કોઈ ઈજા થઈ ન હતી. તે પછી સાંજે 7:10 કલાકે, એક 14 વર્ષનો છોકરો હોલ્મડેલ ટેરેસ પર ચાલતો જતો હતો ત્યારે તેના પર હુમલો કરાતા સામાન્ય ઈજાઓ થઈ હતી. તે પછી 8:30 કલાકે સ્ટેમફોર્ડ હિલ પર, કોલબર્ગ રોડ સાથેના જંકશન પર, એક 64-વર્ષીય વ્યક્તિના ચહેરા પર માર મારી ઈજાઓ કરાઇ હતી. તે પડી જતાં તેના પગનું હાડકું તૂટી ગયું હતું. પોલીસે કોઇ પણ પ્રકારના દ્વેષપૂર્ણ હુમલાની જાણ કરવા વિનંતી કરી છે.