લંડનના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી આગનો ભોગ બનેલા લોકોને “યહૂદી બલિદાનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા” હોવાનો ફેસબુક પોસ્ટ દ્વારા દાવો કરનાર ટોટનહામ, હેરિંગેના લેન્સડાઉન રોડ પર રહેતી 51 વર્ષીય તાહરા અહેમદને વંશીય તિરસ્કાર ભડકાવવાના બે ગુનાઓમાં દોષિત ઠેરવ્યા બાદ 11 મહિના માટે જેલમાં ધકેલી દેવામાં આવી છે. તાહરાએ તેની પોસ્ટ્સ સેમિટિક વિરોધી હોવાનો ઇનકાર કર્યો હતો.

તેણીએ ગ્રેનફેલની આગના બનાવને ન્યૂયોર્કમાં 9/11ના આતંકવાદી હુમલાની આસપાસના સેમિટિક વિરોધી કાવતરા સાથે જોડ્યો હતો.

ઓલ્ડ બેઇલી કોર્ટમાં ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુશન બેરિસ્ટર હ્યુજ ફ્રેન્ચે જણાવ્યું હતું કે અહેમદની બે પોસ્ટ્સ “ઉદાર સમાજમાં સ્વીકાર્ય રેખાને પાર કરી ગઈ છે”.

18 જૂન 2017 ના રોજ, ઘટનાના ચાર દિવસ પછી તેણીએ ફેસબુક પર આગનો એક વિડિયો પોસ્ટ કરી તેને યહૂદી બલિદાન તરીકે ઉલ્લેખ કર્યો હતો.

“તેમની પાછળ જ્વાળાઓ સાથે નરકમાં ફસાયેલા લોકોના ફૂટેજ જુઓ. તેમને યહૂદી બલિદાનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.”

અહેમદના ફેસબુક એકાઉન્ટની તપાસ કરતા યહૂદી વિરોધી ટિપ્પણીઓનો ઇતિહાસ બહાર આવ્યો હતો.

ડિટેક્ટીવ સાર્જન્ટ રોસ બ્યુરેલે કહ્યું: “આવી અધમ ટિપ્પણીઓને સહન કરવામાં આવશે નહીં. જે લોકો ઇરાદાપૂર્વક આપણા સમુદાયોને આ પ્રકારના દ્વેષ ફેલાવીને અલગ કરવા માંગે છે તેમને પકડવાની અપેક્ષા રાખી શકાય છે. અમે અન્ય કોઈના પૂર્વગ્રહ, અજ્ઞાનતા અથવા હિંસાથી પ્રભાવિત કોઈપણને મદદ કરવા માટે તૈયાર છીએ.”