અમેરિકાના ટોચના વિજ્ઞાની એન્થની ફૌસીએ રવિવારે ચેતવણી આપી હતી કે થેન્કસગિવિંગ હોલિડે પછી લાખ્ખો ટ્રાવેલર્સ ઘરે પરત આવશે ત્યારે અમેરિકામાં કોરોના વાઇરસના કેસોના નવા ઉપરાઉપરી મોજા આવી શકે છે. વિશ્વમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અને સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્રે માસ્ક, ટ્રાવેલ તથા રોગચાળાને અંકુશમાં રાખવાના બીજા પગલાં અંગે વિરોધાભાષી સૂચનો કરેલા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 266,074 લોકોના મોત થયા છે.
ફૌસીએ સીએનએનને જણાવ્યું હતું કે લોકોના મોટા પાયે પ્રવાસને કારણે કેસોમાં ચોક્કસ ઉછાળો આવશે. આપણને બે કે ત્રણ સપ્તાહમાં ઉછાળાના મોજા ઉપર મોજા આવી શકે છે. અમે લોકોને ડરાવવા માગતા નથી, પરંતુ તે વરવી વાસ્તવિકતા છે.
ફૌસી અને બીજા સરકારી વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે ક્રિસમસ હોલિડને કારણે વધુ ટ્રાવેલ અને પારિવારિક મેળાવડા કોરોનાના ટ્રેન્ડ માટે સારા સંકેતો નથી.
વ્હાઇટ હાઉસ કોરોનાવાઇરસ ટાસ્ક ફોર્સના કો-ઓર્ડિનેટર ડેબોરા બર્ક્સે જણાવ્યું હતું કે મેમાં હોલિડે વીકએન્ડ બાદ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો. હવે દેશમાં કોરોનાનો ત્રણ, ચાર અને દસ ગણા ઉછાળાની શક્યતા સાથે થેન્કગિવિંગ પછીના તબક્કામાં પ્રવેશ્યા છીએ. અમે ખૂબ ચિંતિત છીએ.
અમેરિકાના સર્જન જનરલ જેરોમ એડમ્સે ફોક્સ ન્યૂઝ સન્ડેને જણાવ્યું હતું કે હું અમેરિકન લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આગામી થોડા સપ્તાહમાં સ્થિતિ વધુ કથળી શકે છે. જો કે ફૌસી અને બીજા નિષ્ણાતો આગામી મહિનાઓ માટે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
કોરોના ટેસ્ટિંગની દેખરેખ કરતા અમેરિકાના અધિકારીએ એડમિરલ બ્રેટ ગિરોઇરે સીએનએન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ સુધીમાં 50 ટકા એલિજિબલ લોકોને વેક્સિન મળવાની ધારણા છે, આમ છતાં ઘણા લોકોએ માસ્ક અને ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલાં લેવા પડશે. અમેરિકાના મોટા ભાગના લોકોને આગામી વર્ષના બીજા કે ત્રીજા ક્વાર્ટર સુધી વેક્સિન મળી શકે છે.
એએફપીના જણાવ્યા અનુસાર રવિવાર સુધીમાં વિશ્વમાં કોરોનાથી 1,453,074 લોકોના મોત થયા છે. યુરોપમાં શનિવાર સુધીમાં 400,649 લોકોના મોત થયા હતા. કોરોના મહામારી સામે શરૂઆતમાં અસરકારક કામગીરી કરનારા જર્મનીમાં પણ શુક્રવાર સુધીમાં કુલ કેસનો આંકડો એક મિલિયન કેસથી વધુનો થયો હતો. જોકે બેલ્જિયમ અને આયર્લેન્ડે નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી.