ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કેટલીક સંવેદનશીલ ગુપ્ત માહિતી આપી હોવાનો પાકિસ્તાની પત્રકારે દાવો કર્યો છે. આ પત્રકારનું કહેવું છે કે તેણે આ માહિતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇને પહોંચાડી હતી.
પાકિસ્તાની યૂટ્યૂબ ચેનલ પર ત્યાંના જ પત્રકાર નુસરત મિર્ઝાના ખુલાસાથી ભારતમાં સનસની ફેલાઇ છે. યુટ્યુબર શકીલ ચૌધરી સાથેની વાતચીતમાં મિર્ઝાએ કહ્યું કે તે તત્કાલિન ભારતીય ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને એક અંગ્રેજી અખબાર મિલી ગેજેટના સંસ્થાપક જફરૂલ ઇસ્લામ ખાનના આમંત્રણ પર ભારત આવ્યા હતા. તેમને ભારતમાં અનેક સંવેદનશીલ ગુપ્ત માહિતીઓ મળી હતી. જેને તેમણે પાકિસ્તાની ગુપ્ત સંસ્થા આઇએસઆઇને પહોંચાડી હતી.
મિર્ઝાના આ દાવા પછી સોશિયલ મીડિયા પર હંગામો સર્જાયો છે. માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર લોકો હામિદ અંસારી અને જફરૂલ ઇસ્લામ ખાનની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની પણ ટીકા કરી રહ્યા છે કેમ કે તે વખતે તે કેન્દ્રની સત્તામાં હતી. ૨૦૧૧ની આ ઘટના વખતે મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હતા. આ દાવા બાદ ભારતીય ગુપ્તચર સંસ્થા રોના પૂર્વ અધિકારી એન કે સૂદના હામિદ અંસારીની સામે મુકવામાં આવેલા આરોપોને યાદ કરવામાં આવી રહ્યા છે. સૂદના ત્રણ વર્ષ જૂના આ ટ્વિટને અંસારીને શંકાસ્પદ શખ્સિયતના પૂરાવા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ રો ઓફિસરે ટ્વીટમાં કહ્યું છે કે હામિદ ઇરાનની રાજધાની તહેરાનમાં રાજદૂત તરીકે હતા. અહીં તેઓ ભારતીય હિતોની વિપરીત કામ કરી રહ્યા હતા. અંસારીએ તહેરાનમાં રોના સેટ-અપને એક્સપોઝ કરીને તેના અધિકારીઓના જીવ ખતરામાં નાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી અને આ જ વ્યક્તિને સતત બે વખત દેશના ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવાયા હતા.