ઓસ્ટ્રેલિયામાં રવિવાર (16 ઓક્ટોબર)થી શરૂ થયેલા ટી-20 વર્લ્ડ કપમાં બીજો અપસેટ સર્જાયો હતો. પ્રથમ દિવસે નામિબીયાની ટીમે અનુભવી શ્રીલંકાને પરાજય આપ્યો હતો. સોમવારે સ્કોટલેન્ડે બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટીમને 42 રને પરાજય આપ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને સ્કોટલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. સ્કોટલેન્ડે પાંચ વિકેટે 160 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં કેરેબિયન ટીમ 18.3 ઓવરમાં 118 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ગ્રુપ-બીમાં વેસ્ટ ઈન્ડિઝ માટે હવે ઝિમ્બાબ્વે સામેની આગામી મેચ મહત્વની રહેશે. સુપર 12 રાઉન્ડમાં પહોંચવા માટે વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે જીતવું જ પડશે.
સ્કોટલેન્ડ માટે ઓપનર મુનસેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મુનસે અને માઈકલ જોન્સની ઓપનિંગ જોડીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 55 રનની ભાગીદારી નોંધાવી હતી. જોન્સ 20 રન નોંધાવીને આઉટ થયો હતો. સુકાની બેરિંગ્ટને 16 તથા મેકલીયોડે 14 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. સ્કોટલેન્ડ માટે મુનસેએ 53 બોલમાં 9 ચોગ્ગા સાથે 66 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે અલઝારી જોસેફ અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઓડેન સ્મિથને એક સફળતા મળી હતી.
સ્કોટલેન્ડના બોલર્સે મજબૂત પ્રદર્શન કર્યું હતું. ઓપનર કાયલે માયર્સે 20 અને ઈવિન લૂઈસે 14 રન નોંધાવ્યા હતા, જ્યારે બ્રેન્ડન કિંગ 17 રન નોંધાવીને આઉટ થયો હચતો. જોકે, બાદમાં મિડલ ઓર્ડરમાં સુકાની નિકલસ પુરન અને શમારહ બ્રૂક્સ ચાર-ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે રોમવેન પોવેલે પાંચ રન નોંધાવ્યા હતા. ટીમ માટે જેસન હોલ્ડરે સૌથી વધુ 38 રન નોંધાવ્યા હતા. તેણે 33 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. સ્કોટલેન્ડ માટે માર્ક વોટે ત્રણ તથા બ્રાન્ડ વ્હીલ અને માઈકલ લીસ્કે બે-બે વિકેટ ઝડપી હતી. જોશ ડેવી અને સફયાન શરિફને એક-એક સફળતા મળી હતી.
23 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ટી-20 વર્લ્ડકપમાં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં મુકાબલો થશે. જોકે વિગતો પ્રમાણે મેલબોર્નમાં 23 ઓક્ટોબરે વરસાદ ખેલ બગાડી શકે છે. આ દિવસે વરસાદની 70 ટકા શક્યતા દર્શાવવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.મેલબોર્નના ઐતિહાસિક મેદાન પર એક લાખ લોકો આ બંને ટીમોનો ટકરાવ જોવા માટે આતુર છે ત્યારે વરસાદ વિલન બન્યો તો ક્રિકેટ ચાહકો ના દિલ તુટી જશે.