સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા 17 સપ્ટેમ્બરે નર્મદા નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો અને હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. (ANI Photo)

ગુજરાતમાં સમગ્ર ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ ગયા વીક એન્ડથી શરૂ થયેલા વરસાદના બીજાં રાઉન્ડના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો હતો. સોમવારે વરસાદે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ ઘમરોળી નાંખ્યાં હતા. મધ્ય અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં આશરે 11,900 લોકોનું સ્થળાંતર કરાયું હતું. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ અને ગોધરા શહેરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરુચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 40 ફૂટે પહોંચતા નદી કિનારાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં હાલ તાપી નદી બે કાંઠે વહી રહી હતી.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોમવાર સુધીના છેલ્લાં ત્રણ દિવસના ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.
વેસ્ટર્ન રેલવે દ્વારા રવિવારે મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હવે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બ્રીજ નં.502 પર અપલાઈન પર પાણી જોખમી સ્તરથી નીચે ઉતરવાના કારણે આ ટ્રેક પરથી રેલવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતા.
સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ ભરૂચ, નર્મદા અને વડોદરાના કેટલાક ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોએ પૂરનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા ડેમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે અંકલેશ્વર તાલુકાનાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા. સોમવારે નર્મદા નદી 40 ફૂટથી વધારે સપાટીએ વહી રહી હતી. અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યાં વળ્યાં હતા, જેના કારણે લોકોના જનજીવનને ભારે અસર પહોંચી હતી. અંકલેશ્વરના છાપરા, બોરભાઠા બેટ, કાશિયા, સરફુદીન, ખાલપિયા ગામમાં પાણી ફરી વળ્યાં હતા.
અમદાવાદમાં અવિરત વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં નાગરિકોએ બહાર જવાનું ટાળ્યું હતું. સાંજ સુધીમાં, શહેરમાં વાવાઝોડું અને ક્યારેક ભારે વરસાદ પણ થયો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યા સુધી અમદાવાદમાં 84મીમી વરસાદ નોંધાયો હતો.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લાનો હવાઈ સર્વે કર્યો હતો. કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યો હતો અને મંગળવાર સવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાએ ગુરુવાર સવાર સુધીની તેની આગાહીમાં ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્થાનિક બચાવ ટુકડીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં નર્મદા જિલ્લાની આવાસીય શાળાના લગભગ 70 વિદ્યાર્થીઓ અને પંચમહાલ જિલ્લામાં એક નદી પાસેના પુલ નીચે ફસાયેલા લગભગ 100 મજૂરોનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના વસંતપા રા ગામની હોસ્પિટલમાં ફસાયેલા કેટલાક દર્દીઓને પણ NDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
દરમિયાન રવિવારે મધ્ય ગુજરાતમાં સતત ધોધમાર વરસાદને કારણે ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. ગોધરા અને રતલામ ડિવિઝન વચ્ચેના અપ ડાયરેક્શન ટ્રેક પર ભારે વરસાદને કારણે નવ જેટલી ટ્રેનો રદ કરવી પડી હતી, ચાર રિશિડ્યુલ અને 11 જેટલી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે ટ્રેનની અવરજવર સ્થગિત રહી હતી.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના મુદ્દે રાજકીય વિવાદ થયો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે ડેમના નીચેના ભાગમાં આવેલા કેટલાક ગામોમાં પૂર જેવી સ્થિતિ એટલા માટે છે કારણ કે રાજ્ય સરકારે વડાપ્રધાનના જન્મદિવસે પાણી છોડવાનો સમય નક્કી કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે રવિવારે હતો. સરકારે પાંચ છ દિવસ સુધી ડેમથી પાણી છોડ્યું ન હતું અને પછી એકસાથે પાણી છોડ્યું હતું. તેથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સોમવારે જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. મેંદરડામાં પણ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ભાભરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. તેમજ જૂનાગઢની સોનરખી નદી ગાંડીતૂર બની હતી. દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો હતો. બીજી તરફ ઠાસરા પાસેના શેઢી નદીના બ્રિજ પરથી પસાર થઈ રહેલો યુવાન તણાયો હતો.

ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં ભરપુર પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. ખેડા-માતર રોડ પર આવેલી શેઢી નદીનો બ્રીજ હાલ અગણચેતીના ભાગરૂપે બંધ કરાયો હતો. નડિયાદ -ડાકોર રોડ પર એક સાઈડનો બ્રીજ પણ બંધ કરવામાં આવ્યો હતો. જિલ્લાના ઠાસરા, નડિયાદ , મહુધા, ખેડા, મહેમદાવાદ, માતર તાલુકાના નદી કાંઠાના ગામડાઓને અસર થઈ હતી.

LEAVE A REPLY