રાજ્યસભાની ચૂંટણી 19 જૂનના યોજાનાર છે તે અગાઉ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક વિકેટો પડવાનો ક્રમ સતત બીજા દિવસે જોવા મળ્યો છે. કરજણ અને કપરાડાના ધારાસભ્યોએ ગુરુવારે રાજીનામા આપ્યા બાદ આજે કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આખરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બ્રિજેશ મેરજાનું રાજીનામું સ્વીકાર્યું હતું.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અગાઉ મેરજાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું અને મીડિયામાં તેની જાહેરાત કરી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, તેઓ લોકોની સેવા કરવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા પરંતુ તેઓ પક્ષાં રહીને લોકસેવા કરી શકતા નહતા.
રાજ્યસભાની ચૂંટણી અગાઉ માર્ચમાં યોજનાર હતી ત્યારથી જ કોંગ્રેસમાં કમઠાણની સ્થિતિ હતી જો કે કોરોના લોકડાઉનને પગલે કેટલાક ધારાસભ્યોએ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી હતી. જો કે હવે અનલોક 1ની સાથે કોંગ્રેસના એમએલએના રાજીનામાં પણ અનલોક થવા લાગ્યા છે.
માર્ચથી અત્યાર સુધીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. આ સાથે જ આગામી રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ભાજપના ત્રણેય ઉમેદવારની જીત હવે નિશ્ચિત બની ગઈ છે.ગુરુવારે કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ કપરાડાના એમએલએ જીતુ ચૌધરીએ રાજીનામું આપ્યું હોવાનું વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું. માર્ચમાં લિંબડીના ધારાસભ્યો સોમા ગાંડા, ધારીના એમએલએ જે વી કાકડિયા, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના પ્રવિણ મારુ તેમજ ડાંગના મંગળ ગાવિતે રાજીનામા આપ્યા હતા.
કોંગ્રેસે રાજ્યસભા બેઠકો પર રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના નામ જાહેર કર્યા છે. જ્યારે ભાજપ તરફથી રાજ્યસભા માટે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરી અમીન ઉમેદવાર જાહેર કરાયા છે.
182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભામાં હવે ભાજપ પાસે 103 ધારાસભ્યો છે અને કોંગ્રેસ પાસે 65નું સંખ્યાબળ છે. આ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી પાસે બે ધારાસભ્યો, એનસીપી પાસે એક તેમજ એક અપક્ષ ધારાસભ્ય છે. કુલ 10 બેઠકો ખાલી પડી છે જે પૈકી બે કોર્ટ કેસને પગલે જ્યારે બાકીના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતા ખાલી પડી છે.