ઇંગ્લેન્ડના ડેન્હામ સ્થિત અનુપમ મિશનની તપોભૂમિ પર સંત ભગવંત સાહેબદાદા, સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ સદગુરુ જગ્ગી વાસુદેવ (ઇશા ફાઉન્ડેશન, કોઇમ્બતૂર) પધાર્યા હતા. યુવતી મંડળ દ્વારા તેમના સ્વાગત નૃત્ય દ્વારા આવકાર્યા હતા.
અત્રે યોજાયેલ સભામાં પૂજ્ય સતિષભાઇ ચતવાણીઓ સ્વાગત પ્રવચન કર્યું હતું. પૂ. ભાવિશાબેને પૂ. જગ્ગી બાપુનો પરિચય તેમ જ તેમના પ્રવચનનો અનુવાદ કરવા સાથે સભા સંચાલનની સુંદર સેવા બજાવી હતી.
પોતાના ઉદ્બોધનમાં શ્રી સદગુરુએ જણાવ્યું હતું કે, ‘’સામાન્ય રીતે હું મંદિરોમાં જતો નથી પરંતુ અહીં સાહેબદાદાના પ્રેમના કારણે આવ્યો છું. અહીં જાણે કે મારા ઘરે આવ્યો હોઉં તેવી અનુભૂતિ થાય છે. ખૂબ ઉત્સાહ અને આનંદમય વાતાવરણ છે.’’ લગભગ એક કલાક તેમણે હરિભક્તોના પ્રશ્નોના જનાબ આપી ગોષ્ટિ કરી પોતાના આશીર્વાદ વરસાવ્યા હતા.
સંત ભગવંત સાહેબદાદાએ પોતાના આશીર્વાદ પાઠવતાં જણાવ્યું કે, ‘’આપ અખંડ આનંદનું સ્વરૂપ છો. ભક્તોને હંમેશા આનંદપૂર્વક હસાવીને સાધનાની ગંભીર વાત સહજમાં કરી દો છો. તે આપની બ્રાહ્મી સ્થિતિ છે. બ્રહ્મ સ્વરૂપ પૂ. યોગીબાપા આવી આનંદની મૂર્તિ હતા. આજે આપ સૌ ભક્તોને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા તે માટે આપને વંદન છે.’’
પૂ. સાહેબ દાદાએ જણાવ્યું હતું કે ‘’આપ સૌ જાણો છો તે પ્રમાણે અનુપમ મિશનની તપોભૂમિ ઉપર હિન્દુઓ માટેના યુરોપના પ્રથમ પરપઝબિલ્ટ ઓમ ક્રિમેટોરીયમના નિર્માણનો આરંભ થઇ રહ્યો છે તે સમયે પૂ. શ્રી વાસુદેવે આ સ્થાન ઉપર સર્વ ભક્તો સાથે પધારી મંત્રોચ્ચાર સાથે પુષ્પવૃષ્ટિ કરી આશીષ વર્ષા કરી હતી.’’
સમગ્ર કાર્યક્રમનું ડીજીટલ માધ્યમ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. વિશેષ ઇંગ્લેન્ડમાં રહેતા તેમના ભક્ત શ્રી દિનેશભાઇ અને તાનીબેનના સહયોગથી આ કાર્યક્રમ ગોઠવાયો હતો.
પૂ. હિંમતસ્વામી, પૂ. વિનુભાઇ, પૂ. વિજયભાઇ, પૂ. મુની પૂ. અનિષભાઇ અને ટ્રસ્ટીઓએ તેમનું અભિવાદન કરી ભેટ અર્પણ કરી હતી.