આસામના ગોહાટીમાં નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (એનઈસી)ના 70મા પ્લેનરી સેશનને સંબોધતા ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે રવિવારે જાહેરાત કરી હતી કે અમૂલને અન્ય પાંચ સહકારી મંડળીઓ સાથે મર્જ કરીને મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી (MSCS)ની રચના કરવામાં આવશે.
અમિત શાહે જણાવ્યું હતું કે મર્જર માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર કુદરતી ખેતી અને ડિજિટલ કૃષિને પ્રાધાન્ય આપી રહી છે અને કુદરતી પ્રોડક્ટ્સના પ્રમાણપત્ર માટે અમૂલ અને અન્ય પાંચ સહકારી મંડળીઓને મર્જ કરીને મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.”
તેમણે કહ્યું હતું કે ભારતને વિશ્વનું બીજાક્રમનું અર્થતંત્ર બનાવવા માટે ઉત્તરપૂર્વના રાજ્યોએ નાણાકીય શિસ્તતા રાખવાની જરૂર છે. MSCS તેના પ્રમાણપત્ર પછી પ્રોડક્ટ્સની નિકાસ સુનિશ્ચિત કરશે, જેથી નફો સીધો ખેડૂતોના બેંક ખાતામાં જઈ શકે, એમ તેમણે ઉમેર્યું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તેની પ્રોડક્ટ્સનું અમૂલ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરે છે. અગાઉ શુક્રવારે ગંગટોકમાં નોર્થ-ઈસ્ટર્ન કો-ઓપરેટિવ ડેરી કોન્ક્લેવમાં બોલતા અમિત શાહે આગામી પાંચ વર્ષમાં દેશમાં દૂધનું ઉત્પાદન બમણું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે “આપણી પાસે ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોમાં દૂધ પહોંચાડવાની વિશાળ તક છે અને આ વિશ્વ બજારને શોધવા માટે સરકાર બહુ-રાજ્ય સહકારી સંસ્થાની સ્થાપના કરી રહી છે, જે એક્સપોર્ટ હાઉસ તરીકે કાર્ય કરશે.”