કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. આ સાથે કોંગ્રેસ અને AAP ગઠબંધને ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક માટે રૂત્વિક મકવાણા, જૂનાગઢ બેઠક માટે હીરા જોટવા અને વડોદરા બેઠક માટે જશપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતાર્યા છે. રૂત્વિક મકવાણા ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. હીરા જોટવા છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પાતળી સરસાઈથી હારી ગયા હતા જ્યારે જશપાલસિંહ પઢિયાર પાદરા મતવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે.