સમગ્ર બ્રિટન અને ભારતમાં ચકચાર મચાવનાર અન્ની દેવાણીની હત્યા કેસમાં મુખ્ય ભુમિકા ભજવનાર ગેંગસ્ટર મોન્ડે મ્બોલોમ્બોએ લૂંટ-હત્યાની માહિતી ટીવી ડોક્યુમેન્ટરી ટીમને આપતા જણાવ્યું હતું કે ‘’તેણે કઇ રીતે 28 વર્ષની નવપરિણીત અન્ની દેવાણીની સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં તેમના હનીમૂન દરમિયાન ગોળી મરાવી હત્યા કરાવી હતી.’’
13 નવેમ્બર, 2010ના રોજ કેપ ટાઉન નજીક ગુગુલેથુ ટાઉનશીપમાં પતિ સાથે ટેક્સીમાં પસાર થતી અન્ની દેવાણીની ઘાતકી હત્યાના મુખ્ય સૂત્રધારે આ કાવતરા વિશે જાહેરમાં વાત કરી સ્વીકાર્યું હતું કે ‘મેં જે કર્યું તેના પર મને ગર્વ નથી.’ તેણે કહ્યું હતું કે શ્રીયેનને બે બંદૂકધારીઓએ બંદૂક બતાવી કારમાંથી બહાર કાઢ્યો હતો અને અન્નીને ગોળી મારી દીધી હતી.
બ્રિટિશ નર્સિંગ હોમના બોસ શ્રીયેન દેવાણી સાથે લગ્ન કર્યાં બાદ હનીમુન કરવા ગયેલી અન્નીની હત્યા બાદ હત્યાનું આયોજન કરવાનો આરોપ ધરાવનાર કેર હોમના મિલિયોનેર બોસ શ્રીયેન દેવાણીએ લગભગ ચાર વર્ષ સુધી પ્રત્યાર્પણની લડાઈ લડી હતી અને જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની રેન્ડમ અપહરણનો ભોગ બન્યા હતા અને બે બંદૂકધારીઓએ તેમને કારમાંથી ધક્કો મારતાં તેમનો જીવ બચી ગયો હતો. ટ્રાયલમાં તેમણે પુરૂષ વેશ્યાઓ સાથે સૂવાનું અને સેક્સ માટે નાણાંની ચૂકવણી કરવાનું સ્વીકાર્યું હતું. જો કે, દેવાણી તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી ગયો હતો.
40 વર્ષના મ્બોલોમ્બોએ ટીવી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોન્ગો તેને જે હોટેલમાં કામ કરતો હતો ત્યાં મળવા આવ્યો હતો. તેણે મને “શું હું કોઈ હિટમેનને ઓળખું છું?” એમ પૂછ્યું હતું. તેણે કહ્યું હતું કે તે એક દંપતિને ટાઉનશીપમાં લાવશે. તેનો પતિ, પત્નીને મારી નાખવા માંગે છે. ટોન્ગોએ કહ્યું હતું કે “તે વ્યક્તિ ઇચ્છે છે કે તેની પત્નીની હત્યા કરવામાં આવે અને તે અપહરણ જેવું લાગે”.
ટીવી મુલાકાતમાં આંસુ સારતા તેણે કહ્યું હતું કે ‘સાચું કહું તો, હું ખરેખર જાણતો નથી.
આટલા વર્ષોથી હું મારી જાતને આ જ પ્રશ્ન પૂછું છું, મેં હા કેમ પાડી? તેણે ટીવી શ્રેણીમાં હત્યામાં તેની સંડોવણી અંગે તેની વેદના જણાવી છે. મારી ભૂમિકાને કારણે, હું હજી પણ અહીં અટવાયેલો છું. મેં જે કર્યું તેના પર મને ગર્વ નથી.’ ’’
અન્નીની હત્યાની તપાસમાં પોલીસને મદદ કરવા બદલ તેને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
તેના પસ્તાવાને અન્નીના પરિવારજનો ‘મગરના આંસુ’ ગણાવે છે અને હજૂ કેટલાક જવાબો શોધી રહ્યા છે. તેઓ કહે છે કે તેણે તેમનો સામનો કરવો જોઇએ અને તેની સંપૂર્ણ વાતો જણાવવી જોઇએ. અન્નીના કાકા અશોક હિંડોચાએ મેઈલ ઓનલાઈનને કહ્યું હતું કે ‘આટલા વર્ષો પછી પણ અમારી પાસે ઘણા બધા પ્રશ્નો છે જેના જવાબની જરૂર છે. હજુ મુખ્ય માહિતી જાહેર કરવાની બાકી છે અને વાર્તામાં છિદ્રો ભરવાના બાકી છે.
હત્યામાં પોતાની સંડોવણીની કબૂલાત કરનાર ટોન્ગો 18 વર્ષની સજા ભોગવી રહ્યો છે અને તેણે કહ્યું હતું કે તેમે હિટમેનને ગોઠવવા માટે 15,000 રેન્ડ (£700) ચૂકવવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેવાણીને ટોંગો સાથે હોટલની લોબીમાં ગાયબ થતા અને ટોન્ગો કાગળની થેલી લઈને પરત છતો દેખાયો હતો.
ઝીવામાડોડા ક્વાબે આજીવન કેદ ભોગવી રહ્યો છે અને જેણે ગોળી ચલાવી હતી તે ઝલીલ ન્ગેની સજા ભોગવતી વખતે જેલમાં કેન્સરથી મૃત્યુ પામ્યો હતો. ચાર ભાગની આ ડોક્યુમેન્ટ્રી સીરીઝ ‘અન્ની: ધ હનીમૂન મર્ડર’ શનિવારે 13 નવેમ્બરથી ડિસ્કવરી પ્લસ પર ઉપલબ્ધ થશે.