શરાબ કૌભાંડના કથિત આક્ષેપોનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર તેમના ગુરુ અન્ના હઝારેએ પણ પ્રહાર કર્યા છે. હઝારેએ જણાવ્યું હતું કે શરાબની જેમ સત્તાનો પણ નશો હોય છે. તમને સત્તાનો નશો ચડ્યો હોય તેમ લાગે છે.
અન્ના હજારેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘તમે મુખ્યપ્રધાન બન્યા પછી પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂની નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે.
અન્ના હઝારેએ પત્રમાં લખ્યું છે કે, તમે ‘સ્વરાજ’ નામના પુસ્તકમાં આદર્શ વાતો લખી છે. ત્યાર બાદ તમારી પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો. જેમ દારૂનો નશો છે તેમ સત્તાનો નશો છે. તેથી એવું લાગે છે કે, તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો. અન્ના હઝારેએ પણ પોતાના પત્રમાં તેમના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો કે, તમે તમારો રસ્તો ભટકી ગયા છો.
અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હીની નવી આબકારી નીતિની ટીકા કરીને કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. તમારી સરકારે દિલ્હીમાં નવી દારૂની નીતિ ઘડી છે તેથી એવું લાગે છે કે, તે દારૂના વેચાણ અને વપરાશને પ્રોત્સાહિત કરી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. આ તમામ પ્રવૃતિથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને તે જનતાના હિતમાં નથી.