(ANI Photo)
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે બિગબોસ 17ના કારણે ચર્ચામાં હતી. અંકિતાની મુખ્ય ભૂમિકા ધરાવતી પ્રથમ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. બિગબોસમાંથી પરત આવ્યા પછી અંકિતાનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. રણદીપ હુડ્ડા સાથેની ‘સ્વતંત્રતા વીર સાવરકર’ 22 માર્ચે રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં અંકિતાએ સાવરકરનાં પત્ની યમુનાબાઈની ભૂમિકા ભજવી હતી. રણદીપ હુડ્ડાએ વિનાયક દામોદર સાવરકરનો રોલ કર્યો છે. મરાઠીમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતું. આ અંગે અંકિતાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ભૂમિકા માટે અંકિતા વધારે સુંદર હોવાનું રણદીપને લાગતું હતું અને તેથી તેઓ અંકિતાને ફિલ્મમાં લેતા ખચકાટ અનુભવતા હતા.
રણદીપે પોતે આ અંગે અંકિતા સાથે સીધી વાત કરી હતી અને યમુનાબાઈ સાવરકરના રોલ માટે અંકિતા વધારે પડતી સુંદર હોવાનું કહ્યું હતું. અંકિતાએ આ રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે અંકિતાએ જણાવ્યું હતું કે, રણદીપે આ માટે ખૂબ સંશોધન કર્યું હતું અને ફિલ્મમાં શું જોઈએ છે, તેની તેને ખબર હતી. યમુનાબાઈ સાવરકર કેવા હતા અને વીર સાવરકરના જીવનમાં તેમનું શું યોગદાન હતું, તે અંગે રણદીપે સંશોધન કર્યું હતું. આ ફિલ્મમાં રણદીપને બ્રિટિશ શાસન અને ગાંધી વિચારધારા સામે લડત આપતા દર્શાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY