આંતરરાષ્ટ્રીય પોલીસ તપાસ બાદ એકત્ર કરાયેલા પૂરાવાના આધારે કટ્ટરપંથી ઉપદેશક અંજેમ ચૌધરીને પ્રતિબંધિત આતંકવાદી જૂથ અલ-મુહાજીરોન (ALM)ને ચલાવવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે. બંનેને 30 જુલાઈના રોજ વૂલીચ ક્રાઉન કોર્ટમાં સજા થવાની છે.
વૂલીચ ક્રાઉન કોર્ટે છ સપ્તાહની ટ્રાયલ પછી, ઇસ્ટ લંડનના અંજેમ ચૌધરીને તા. 23 જુલાઈના રોજ આતંકવાદી સંગઠનને નિર્દેશિત કરવા, પ્રતિબંધિત સંગઠનના સભ્યપદ અને આતંકવાદી સંગઠનને સમર્થન આપવા માટે દોષિત ઠેરવ્યો હતો. તેની સાથે એડમન્ટન, કેનેડાના ખાલિદ હુસૈનને પણ પ્રતિબંધિત સંગઠનના સભ્યપદ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
આ માટે મેટ પોલીસ અને MI5ની તપાસમાં ન્યુયોર્ક પોલીસ વિભાગ (NYPD) અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) દ્વારા મદદ કરવામાં આવી હતી.
મેટના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના કમાન્ડર ડોમિનિક મર્ફીએ કહ્યું હતું કે “ચૌધરી આતંકવાદી જૂથ અલ-મુહાજીરોન (ALM) અને તેની પ્રવૃત્તિમાં જોડાવા અન્ય લોકોને પ્રોત્સાહિત કરતો હતો.”
જુલાઈ 2021માં ચૌધરીના અગાઉના (2016ના) આતંકવાદમાં દોષિત ઠર્યા બાદના લાયસન્સની શરતો સમાપ્ત થઈ ગઈ હતી. ચૌધરીની તપાસ લગભગ બે વર્ષ પછી તેની ધરપકડમાં પરિણમી હતી.
તે ન્યૂ યોર્ક સ્થિત અનુયાયીઓ સાથે ઑનલાઇન પ્રવચનો આપતો હતો અને CTC ડિટેક્ટિવ્સને એ હકીકત વિશે ચેતવણી આપવામાં આવી હતી કે ચૌધરી “ઇસ્લામિક થિંકર્સ સોસાયટી” નામના જૂથમાં સામેલ થઈ રહ્યો છે. કેનેડાના પુરાવા દર્શાવે છે કે હુસૈન ચૌધરીના અંગત સહાયક તરીકે કામ કરતો હતો અને હુસૈને તેને અન્ય ઉગ્રવાદીઓ સાથે ઓનલાઈન લેક્ચર હોસ્ટ કરવામાં મદદ કરી હતી તથા ચૌધરી માટે ઉગ્રવાદી ઓનલાઈન બ્લોગ્સ અને પ્રકાશનોનું સંપાદન કર્યું હતું. પુરાવામાં જણાયું હતું કે ચૌધરી એનક્રિપ્ટેડ પ્લેટફોર્મ દ્વારા ITS જૂથ માટે પ્રવચનોનું આયોજન અને સંચાલન કરી રહ્યો હતો.
આ તપાસ માટે પોલીસ અધિકારીઓએ 100 કલાકની ઓડિયો અને વિડિયો સામગ્રી, 16,000 થી વધુ દસ્તાવેજોનું મૂલ્યાંકન કર્યું હતું.
તપાસ ટીમ દ્વારા એકત્ર કરાયેલા પુરાવામાં છેલ્લા એક દાયકામાં, ALM જૂથે વિવિધ લોકોને દાએશ (ISIS) સાથે જોડાવા અને લડવા માટે પ્રોત્સાહિત કરી મદદ કરી હતી. ચૌધરી ઉગ્રવાદીઓની નવી પેઢીને પ્રભાવિત કરવા અને કટ્ટરપંથી બનાવવા અને તેમને જવા માટે પ્રોત્સાહિત કરવા માંગતો હોવાના પૂરાવા મળ્યા હતા.
હુસૈને લંડનમાં ચૌધરીની મુલાકાત કરવા 17 જુલાઈ, 2023ના રોજ કેનેડાથી લંડન આવતા તેની ધરપકડ કરાઇ હતી. આ જોડી પર 23 જુલાઈ, 2023 ના રોજ આરોપ મૂકાયો હતો.