નોર્થ લંડનને એજવેરમાં બર્ન્ટ ઓક બ્રોડવે ખાતે તા. 9ને ગુરુવારે સવારે એનએચએસમાં પાર્ટ ટાઈમ મેડિકલ સેક્રેટરી તરીકે સેવા આપતા 66 વર્ષીય અનિતા મુખેની હેન્ડબેગ લુંટવાનો કરવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિએ તેમની છરીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બદલ નોર્થ લંડનના કોલિન્ડેલના 22 વર્ષીય જલાલ દેબેલા પર વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપ મૂકાયો હતો અને મંગળવારે તે કેસ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ આવશે.
બસ સ્ટોપ નજીક માર્યા ગયેલા દાદીને “તેમના પરિવાર માટે સમર્પિત” હોવા બદલ હંમેશા યાદ કરવામાં આવશે તેવું તેમના પરિવારે જણાવ્યું હતું.
ઘટના સ્થળની નજીક હેર સલૂનમાં કામ કરી રહેલા જેસ બ્લૂમે ધ ટેલિગ્રાફને કહ્યું હતું કે “આ બનાવ બસ સ્ટોપ પર થયો હતો. એક વ્યક્તિ તેની હેન્ડબેગ લેવાનો પ્રયાસ કરતો હતો પણ તેણીએ ‘ના’ પાડી હતી. તેણીએ પ્રતિકાર કર્યો હતો અને તેમ કરતા તે મહિલાને રસ્તા વચ્ચે ખેંચી ગયો હતો અને તેણીને છરાની ત્રણ વાર કરી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયો હતો. તેણી જમીન પર લોહીથી લથપથ હતી.”
નજીકમાં કામ કરતા એક માણસે નામ નહિં આપવાની શરતે અખબારને કહ્યું હતું કે “મેં આ ભયાનક ચીસો સાંભળી તેથી હું બહાર દોડી ગયો હતો. તે સ્ત્રી જમીન પર હતી અને હુમલાખોર ધીમે ધીમે, ખરેખર શાંતિથી ચાલ્યો ગયો હતો. પછી લોકોએ બૂમો પાડવાનું શરૂ કરતાં તે દોડ્યો હતો.
અન્ય મહિલા દર્શકે ધ ટેલિગ્રાફને કહ્યું: “મેં આખો બનાવ જોયો હતો. તેણે બેગ પડાવી લેવાનો પ્રયાસ કરતાં તેણીએ પ્રતિકાર કર્યો હતો.’’
તપાસનું નેતૃત્વ કરી રહેલા DCI એલેક્સ ગામામ્પિલાએ કહ્યું હતું કે “હું જાણું છું કે આ ઘટનાની અસર સમગ્ર સ્થાનિક સમુદાયમાં અનુભવાશે અને હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે એક વ્યક્તિ કસ્ટડીમાં છે અને અમે અન્ય કોઈ શંકાસ્પદને શોધી રહ્યા નથી. અમે આ ગુના માટે સંપૂર્ણ સંજોગો અને હેતુ સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ.
બનાવને પગલે બહુ બધી ઇમરજન્સી સેવાઓ, એમ્બ્યુલન્સ ક્રૂ, ફાસ્ટ રિસ્પોન્સ કારમાં પેરામેડિક, લંડનની એર એમ્બ્યુલન્સની ટ્રોમા ટીમ અને પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. પેરામેડિક્સના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તેમને ઘટનાસ્થળે મૃત જાહેર કરાયા હતા. પોલીસે બંને દિશામાં જતો રસ્તો બંધ કરાવ્યો હતો અને રસ્તાની વચ્ચે સફેદ ટેન્ટ બાંધી ફોરેન્સિક તપાસ હાથ ધરાઇ હતી.
મેટ પોલીસે બહાર પાડેલા નિવેદનમાં, સ્વ. મુખેના પરિવારે જણાવ્યું હતું કે ‘’તેઓ એક પરિણીત માતા અને તેના પરિવારને સમર્પિત દાદી હતા. પરિવાર આ મુશ્કેલ સમયે ગોપનીયતા માટે વિનંતી કરે છે.”
આ ઘટનાના વિડીયો ફૂટેજ સોસ્યલ મિડીયા પર વાઇરલ થયા હતા અને મેટ્રોપોલિટન પોલીસે લોકોને વિનંતી કરી છે કે તેઓ “અતિશય દુઃખદાયક” ફૂટેજ ઓનલાઈન શેર ન કરે.
એજવેરમાં પોલીસિંગ માટે જવાબદાર નોર્થ વેસ્ટ કમાન્ડ યુનિટના સુપ્રિન્ટેન્ડેન્ટ ટોની બેલિસે કહ્યું હતું કે “હું આઘાતને સમજું છું અને લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે અનુભવી હોમીસાઇડ ડિટેક્ટીવ્સની નિષ્ણાત ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. આ તપાસમાં પોલીસને મદદ કરી શકે તેવી માહિતી ધરાવનાર કોઈપણને 101 અથવા ‘X’ @MetCC પર કૉલ કરવા અને CAD3105/9May ક્વોટ કરવા વિનંતી કરાઇ છે.