ઇસ્ટ લંડનના હેરો રોડ, E11 ખાતે રહેતી 35 વર્ષની અનીશા અનવર નામની મહિલાએ હોટલ સ્ટાફને મૂર્ખ બનાવી મુસાફરોનો સામાન ચોરતી હોવાની 15મી ડિસેમ્બરના રોજ વુડ ગ્રીન ક્રાઉન કોર્ટમાં કબૂલાત કરી હતી. તેણીને ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 ના રોજ સજા સંભળાવવામાં આવશે.
શુક્રવાર, 8 ઑક્ટોબરના રોજ બપોરે, અનવરે હેકનીની એક હોટલમાં ફોન કરી હોટલની મહેમાન હોવાનો ડોળ કરી દાવો કર્યો હતો કે તેમને કૌટુંબિક કટોકટી હોવાથી તાકીદે હોટલ છોડવાની જરૂર છે. હોટેલ સ્ટાફે લક્ઝરી બ્રાન્ડની ઘણી વસ્તુઓ સહિત મુસાફરનો સામાન પેક કરી અનવરે મોકલેલી ટેક્સીમાં મૂકી આપ્યો હતો. જે બેગ લંડનના મેરીલેન્ડ રેલ્વે સ્ટેશન પર તેના સાગરીતે મેળવી લીધી હતી. મહેમાનો જ્યારે તેમના રૂમમાં પાછા ફર્યા હતા ત્યારે બીજી સવારે તેમને ચોરીની જાણ થઇ હતી.
સેન્ટ્રલ ઈસ્ટ બીસીયુના ડિટેક્ટીવ સાર્જન્ટ ઈયાન ક્લેગહોર્ને કહ્યું: “અનિષા અનવરનો છેતરપિંડી કરવાનો ઈતિહાસ છે અને આ તાજેતરનો ગુનો ખરેખર અદભૂત હતો. તેણી હોટલના સ્ટાફને મૂર્ખ બનાવી અંદાજિત £80,000થી વધુનો સામાન મેળવવામાં સફળ રહી હતી. જો કે, તેનો આત્મવિશ્વાસ તેના પતનનું કારણ બન્યો હતો. તેણીએ ગુનો કરવા માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તે જ્યાં રહેતી હતી તે ઘરેથી મળી આવ્યો હતો.’’
પોલીસે ચોરીનો સામાન લઇને સ્ટેશન પહોંચેલી ટેક્સીને ટ્રેસ કરી મોબાઇલ ફોનને ટ્રેક કરવામાં સફળ થઇ હતી. પોલીસે કેબના ડ્રાઇવરનો પત્તો મેળવી તેણે બેગ કોને આપી હતી તે શોધી કાઢ્યું હતું. પોલીસે ફોન રેકોર્ડ્સ અને અદ્યતન ફોરેન્સિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અનવરને પકડી લઇ ગુરુવાર, 11 નવેમ્બરના રોજ આરોપ મૂકવામાં આવ્યો હતો. બેગ મેળવનારની તપાસ ચાલુ છે.