અનિલ કપૂર અને તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર ‘એકે વર્સિસ એકે’ ફિલ્મ પછી ફરી એકવાર ‘થાર’ ફિલ્મમાં સાથે આવ્યા છે. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ ફિલ્મના નિર્માતા હર્ષવર્ધન કપૂર છે અને તેણે તેના પિતા સાથે ફિલ્મમાં કંઈક કરી બતાવવાની હિંમત દાખવી છે. ‘થાર’ ફિલ્મ રાજસ્થાનના રણપ્રદેશનું બેકગ્રાઉન્ડ ધરાવે છે, પણ તેમાં પ્રેમ, પેશન ઉપરાંત હિંસા અને સસ્પેન્સ પણ ભરપૂર છે. તે આજના જમાનાની ફિલ્મ છે. અનિલ કપૂર માને છે કે આજના યુવાન કલાકારો જોખમ લેવાથી ડરતાં નથી.
પરિવારના સભ્યો કોઈ ફિલ્મમાં સાથે આવે ત્યારે હંમેશા તેની વધુ ચર્ચા થાય છે ત્યારે તમારા માટે કેવા ફેરફાર નજરે પડે છે? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં અનિલ કપૂર કહે છે, ‘થાર’ ફિલ્મનો હિસ્સો બનવા વિશે મને ખરેખર એ વાતની ઉત્તેજના હતી કે, અમે પિતા અને પુત્રની ભૂમિકા નથી ભજવતા. અમે પાત્રો ભજવીએ છીએ. ‘ધ ઝોયા ફેક્ટર’ અને ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ (૨૦૧૯)માં સોનમ (કપૂર) સાથે હું તેના પિતાની ભૂમિકા ભજવતો હતો. જો પસંદગી આપવામાં આવે તો હું (મારા સંતાનો સાથે) એક ફિલ્મ કરવાને બદલે જ્યાં અમે ખરેખર અજાણ્યા હોઈએ છીએ એ દિશામાં ધ્યાન કેન્દ્રીત કરીએ.’ જીવનનો આ એક અલગ પ્રકારનો અનુભવ છે.