દેવાદાર અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે મુંબઇમાં સાંતાક્રૂઝ ખાતે આવેલું પોતાનું હેડક્વાર્ટર યસ બેન્કને રૂ.1200 કરોડ રૂપિયામાં વેચ્યું છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આ હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટર તરીકે ઓળખાય છે.
હવે યસ બેન્ક રિલાયન્સ સેન્ટરને પોતાના હેડક્વાર્ટરમાં રૂપાંતરિત કરશે. સાન્તાક્રુઝમાં રિલાયન્સ સેન્ટરના વેચાણથી મળેલી સમગ્ર રકમનો ઉપયોગ રિલાયન્સ ગ્રૂપ પોતાના બાકી બેન્ક દેવાની ચુકવણી માટે કરશે.
આ ડીલની જાહેરાત સાથે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રણ મોટીઓ સંપત્તિ વેચી દીધી છે. કંપનીએ અગાઉ દિલ્હી-આગ્રા ટોલ રોડને ક્યુબ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ.3,6૦૦ કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યૂમાં વેચી દીધો છે. આ રિલાયન્સ સેન્ટરના વેચાણ બાદ યસ બેન્કના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવાના નીકળતા બાકી લેણાં અડધા જેટલા ઘટીને રૂ.2000 કરોડ રહેશે.