નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ વીડિયોકોન ગ્રૂપ માટે અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ટ્વીન સ્ટાર ટેક્નોલોજીએ કરેલી રૂ.2962 કરોડની બિડને મંજૂરી આપતા એનસીએલટી મુંબઈ ખંડપીઠના આદેશને રદ કર્યો છે. હવે વીડિયોકોન ગ્રૂપ માટે નવેસરથી બિડ મંગાવવામાં આવશે.
બે સભ્યોની એનસીએલએટીની ખંડપીઠે જણાવ્યું કે, “તથ્યો અને કાયદાના વિશ્લેષણને ધ્યાનમાં રાખીને, અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે વીડિયોકોન ગ્રૂપની કોર્પોરેટ બેન્કરપ્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દરમિયાન નાદારી કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું નથી. તેથી રિઝોલ્યુશન પ્લાનની મંજૂરી કલમ 31 અનુસાર નથી. આથી ધિરાણકર્તાઓના સમૂહ અને એનસીએલટી દ્વારા રિઝોલ્યુશન પ્લાનને આપેલી મંજૂરીને રદ કરવામાં આવે છે. તમામ વચગાળાની અરજીઓનો નિકાલ કરતી વખતે ટ્રિબ્યુનલે કહ્યુ કે, આ કેસ ક્રેડિટર્સ ઓફ કમિટીને પાછો મોકલવામાં આવ્યો છે. વીડિયોકોન ગ્રૂપના રિઝોલ્યુશન પ્લાનથી સહમત બે લેણદારો – બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને આઇએફસીઆઇ લિમિટેડ દ્વારા કરાયેલી અરજી પર એનસીએલએટીએ આ આદેશ આપ્યો હતો. ઉપરોક્ત બંને લેણદારોએ એનસીએલટીના આદેશને પડકાર્યો હતો.
અગાઉ અનિલ અગ્રવાલની ટવીન સ્ટાર ટેક્નોલોજીસને રૂ. 2962 કરોડની બિડમાં 12 ગ્રૂપ કંપનીઓ સાથે દેવાદાર વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને ટેકઓવર કરવાની મંજૂરી આપી હતી. જે વીડિયોકોન ગ્રૂપના કેસમાં લેણદારોના રૂ. 64,838.63 કરોડના બાકી લેણાની માત્ર 4.15 ટકા રકમ હતી. એટલે કે લેણદારોએ આ કેસમાં 95 ટકા રકમ જતી કરવી પડી રહી હતી. લેણદારોની અરજી બાદ એનસીએલટીના આદેશ પર એપેલેટ ટ્રિબ્યુનલે 19 જુલાઈના રોજ સ્ટે ઓર્ડર આપ્યો હતો.