વેદાંત રિસોર્સિસ પાસેથી 2.98 બિલિયન ડોલરમાં એસેટ ખરીદવાની હિન્દુસ્તાન ઝિન્કની યોજનાનો ભારત સરકારે વિરોધ કર્યો છે. તેનાથી આ અગ્રણી માઇનિંગ કંપનીના 7.7 બિલિયન ડોલરના ચોખ્ખા દેવામાં ઘટાડો કરવાની બિલિયોનેર અનિલ અગ્રવાલની યોજનાને ફટકો પડ્યો છે.
ભારત સરકાર હિન્દુસ્તાન ઝિન્કમાં આશરે 30 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. હિન્દુસ્તાન ઝિન્કે વેદાંત લિમિટેટની આફ્રિકા ખાતેની કેટલીક ઝિન્ક એસેટ ખરીદવાની યોજના બનાવી છે, જેનો સરકારે વિરોધ કર્યો છે. હિન્દુસ્તાન ઝિન્કનો 65 ટકા હિસ્સો વેદાંત પાસે છે. સરકારે તેને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન ગણાવ્યું છે.
છેલ્લાં 11 મહિનામાં ચોખ્ખા દેવામાં 2 બિલિયન ડોલરનો ઘટાડો કરવામાં આવ્યો હોવાની વેદાંત રિસોર્સિસની જાહેરાતના એક સપ્તાહ પછી આ ગતિવિધિ થઈ છે. વેદાંતે તે સમયે તેના દેવામાં વધુ ઘટાડો કરવાની પણ જાહેરાત કરી હતી. અગાઉ એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ગ્રૂપની નાણાકીય તંદુરસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
એસ એન્ડ પી ગ્લોબલે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર પછી વેદાંતની નાણાકીય જવાબદારી પૂર્ણ કરવાની ક્ષમતા 2 અબજ ડોલરના ભંડોળ એકત્રીકરણ તથા હિન્દુસ્તાન ઝિન્ક- વેદાંતના સોદા પર નિર્ભર છે.
હિન્દુસ્તાન ઝિંકના બોર્ડમાં સરકારે નીમેલા ડિરેક્ટરોએ સંપાદનનો વિરોધ કર્યો હતો અને 17 ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ વધુ ઠરાવોનો વિરોધ કરશે. તેનાથી 19 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલ સોદો હવે શંકાના દાયરામાં છે.