વીતેલા જમાનાની જાણીતી રવિના ટંડને અભિનયમાંથી લાંબો સમય બ્રેક લીધો હતો. રવિનાએ હવે તેની ઉંમરને અનુકૂળ હોય તેવી ભૂમિકા ભજવવાની શરૂઆત કરી છે અને મોટાભાગે તે વેબસિરીઝમાં જોવા મળે છે. ભૂતકાળને યાદ કરતાં રવિનાએ કહ્યું હતું કે, શાહરૂખ ખાનની હિટ ફિલ્મમાં ‘છૈયા છૈયા’ ગીત પહેલા તેને ઓફર થયું હતું. જોકે વારંવાર સ્પેશિયલ ડાન્સ ઓફર થતાં હોવાથી રવિનાએ તેને ફગાવી હતી. પછી મલાઈકા અરોરાએ શાહરૂખ ખાન સાથે ટ્રેન પર ‘છૈયા છૈયા’ ડાન્સ કર્યો હતો અને તે લાંબા સમય સુધી દર્શકોના માનસ પર છવાઇ ગઇ હતી.
રવિનાએ તાજેતરમાં મણિરત્નમ સાથે કામ કરવાની તક ગુમાવવા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. રવિનાએ ખુલાસો કર્યો હતો કે, તે સમયે વારંવાર ડાન્સ ઓફર થતા હતા અને એક ઈમેજ બંધાઈ જવાની આશંકાથી તેણે ‘છૈયા છૈયા’થી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો.
રવિનાએ જણાવ્યું હતું કે, ‘છૈયા છૈયા’ ઓફર થયું તેના થોડા સમય પહેલા ‘શહેર કી લડકી’માં ડાન્સ કર્યો હતો. આ ગીત હિટ રહ્યું હતું. આ ગીત પછી શાહરૂખ ખાનનો ફોન આવ્યો હતો અને મણિરત્નમ વાત કરવા માગતા હોવાનું કહ્યું હતું. મણિરત્નમ સાથે કામ કરવા ખૂબ ઉત્સુક હતી તેથી તરત જ તેમની સાથે વાત કરી. મણિરત્નમે સ્પેશિયલ ડાન્સ ઓફર કર્યો હતો. જોકે, આ પ્રકારના ડાન્સમાં ઈમેજ બંધાઈ જવાની બીક હતી. તેથી આ ઓફર સ્વીકારી નહીં. રવિનાએ ઈનકાર કર્યો હોવાથી ‘છૈયા છૈયા’ ડાન્સ મલાઈકા અરોરાને મળ્યો અને ત્યારપછી મલાઈકાની કારકિર્દી આગળ વધી હતી.
————————