(ANI Photo)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટનું ત્રણ દિવસનું ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ માર્ચે સંપન્ન થયું હતું. ગુજરાતના જામનગરમાં ‘અન્ન સેવા’ સાથે પહેલી માર્ચે આ સેલિબ્રેશનનો પ્રારંભ થયો હતો. દુનિયાભરમાંથી સેલિબ્રિટીઓ આ ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે જામનગર આવી પહોંચ્યાં હતાં. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ શુક્રવારે (1 માર્ચ) ગુજરાતના જામનગર પહોંચ્યા હતાં.

આ ભવ્ય સમારંભમાં હોલિવૂડથી લઇને બોલિવૂડ અને કોર્પોરેટ માંધાતાથી લઇને આધ્યાત્મિક ગુરુઓ સહિતના મહાનુભાવો સહિત આશરે 1,000 મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન, આમિરખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને તેની પૌત્રી રાહા અને નીતુ કપૂર જામનગર પહોંચ્યાં હતા. આ ઉપરાંત ગુરુવારે ગ્લોબલ પોપ સિંગર રેહાન્ના, ગ્લોબલ આર્ટિસ્ટ એડમ બ્લેકસ્ટોન, જસ્ટિન ટિમ્બરલેક, અમેરિકન ગાયક અને ગીતકાર જે. બ્રાઉન સહિતની હસ્તીઓ જામનગર આવી પહોંચી હતી. આ જશ્નને વધુ ખાસ બનાવવા માટે ગ્લોબલ સિંગર રેહાન્ના તથા બોલિવૂડ સ્ટાર સલમાન, શાહરુખ અને આમિર ખાને પરફોર્મ કર્યું હતું.
ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક અને કૃણાલ પંડ્યાએ પણ હાજરી આપી હતી.

મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસિલા ચાન, મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, ગીતકાર, નિર્માતા એડમ બ્લેકસ્ટોન, બિલ ગેટ્સ, ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને કુમાર મંગલમ બિરલા હાજર રહ્યાં હતા.

જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવારે મહેમાનોને આવકારવા માટે બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવ્યું હતું. તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને તે રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા. આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોક્સ વેગન જેવી અનેક લક્ઝુરિયસ કાર તહેનાત કરી હતી.

પ્રી-વેડિંગ સેલિબ્રેશન પહેલા 29 ફેબ્રુઆરીએ જામનગરમાં ‘અન્ન સેવા’ કરવામાં આવી હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના મામા-દાદી અને માતા-પિતાએ પણ ‘અન્ન સેવા’માં ભાગ લીધો હતો. લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું.

પ્રી-વેડિંગ સેલિબ્રેશન થીમ આધારિત હતી. પ્રથમ દિવસ એટલે કે પહેલી માર્ચની થીમ ઇવનિંગ ઇન એવરલેન્ડ, જેમાં મહેમાનોને સાંજના કોકટેલ પોશાક પહેરવા માટે વિનંતી કરવામાં આવી હતી.

બીજા દિવસની થીમ “અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ” (2જી માર્ચ) હતી. જેમાં જંગલ ફીવર ડ્રેસ કોડ સાથે પરંપરાગત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ત્રીજા દિવસે “ટસ્કર ટ્રેલ્સ અને હસ્તાક્ષર” (3જી માર્ચ) નામની બે ઇવેન્ટ યોજાઇ હતી, જેમાં મહેમાનોએ પરંપરાગત પોશાકમાં, ટ્રેઇલ પર જામનગરની મનોહર સુંદરતાનો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY