રિલાયન્સના બિલિયોનેર ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી જુલાઈમાં ગુજરાતના જામનગરમાં ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થશે. જોકે પ્રી-વેડિંગ સેરેમનીનો પહેલી માર્ચથી પ્રારંભ થયો હતો, જે માર્ચ 03 સુધી ચાલશે. દુનિયાભરમાંથી સેલિબ્રિટીઓ આ ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે જામનગર આવી પહોંચ્યાં હતાં. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ શુક્રવારે (1 માર્ચ) ગુજરાતના જામનગર પહોંચ્યા હતાં.
સમારંભમાં હાજરી આપવા માટે મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસિલા ચાન, ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાન્ના, મલ્ટિ-ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ, ગીતકાર, નિર્માતા એડમ બ્લેકસ્ટોન, પરિવાર સાથે સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, રાની મુખર્જી, અર્જુન કપૂર, રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ, ફિલ્મ નિર્માતા બોની કપૂર, ફિલ્મ નિર્માતા અયાન મુખર્જી, ક્રિકેટર મહિન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર આવી પહોંચ્યાં હતા.
આ ઉપરાંત બિલ ગેટ્સ, ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને કુમાર મંગલમ બિરલાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. લગ્ન પહેલાના સમારંભ માટે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, ભૂટાનના રાણી જેત્સુન પેમા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને સાઉદી અરામ્કોના ચેરપર્સન યાસિર અલ રુમાયન જેવી અગ્રણી હસ્તીઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવારે બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવ્યું છે. અને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને તે રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. મહેમાનો પણ તે રાસ-ગરબાની રમઝટ સાથે પોતે પણ ગરબા કરીને અભિવાદન ઝીલી રહ્યા છે.આ લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોક્સ વેગન જેવી અનેક લક્ઝુરિયસ કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પ્રી-વેડિંગ સેલિબ્રેશન પહેલા 29 ફેબ્રુઆરીએ જામનગરમાં ‘અન્ન સેવા’ કરવામાં આવી હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ પાસેના જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાના મામા-દાદી અને માતા-પિતાએ પણ ‘અન્ન સેવા’માં ભાગ લીધો હતો. લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે,
પ્રી-વેડિંગ સેલિબ્રેશન થીમ આધારિત છે. પ્રથમ દિવસ એટલે કે પહેલી માર્ચની થીમ ઇવનિંગ ઇન એવરલેન્ડ, જેમાં મહેમાનોને સાંજના કોકટેલ પોશાક પહેરવા માટે વિનંતી કરવામાં આવે છે.
બીજા દિવસની થીમ “અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ” (2જી માર્ચ) છે, જેમાં જંગલ ફીવર ડ્રેસ કોડ સાથે પરંપરાગત પ્રવૃત્તિઓ થશે. ત્રીજા દિવસે “ટસ્કર ટ્રેલ્સ અને હષ્ટાક્ષર” (3જી માર્ચ) નામની બે ઇવેન્ટ યોજાશે, જેમાં મહેમાનો પરંપરાગત પોશાકમાં, ટ્રેઇલ પર જામનગરની મનોહર સુંદરતાનો આનંદ માણશે.