ઈરાનના એક ફાઉન્ડેશને ગયા વર્ષે નવલકથાકાર સલમાન રશ્દી પર હુમલો કરનારા વ્યક્તિની પ્રશંસા કરી છે અને ઇનામ તરીકે 1,000 ચોરસ મીટર ખેતીની જમીન આપવાની જાહેરાત કરી છે.
75 વર્ષીય રશ્દી પર ઓગસ્ટમાં ન્યૂ યોર્કમાં લેક એરી નજીક આયોજિત એક સાહિત્યિક કાર્યક્રમના મંચ પર ન્યુ જર્સીના 24 વર્ષીય શિયા મુસ્લિમ અમેરિકને ઘાતક હુમલો કર્યો હતો. તેમાં રશ્દીએ એક આંખ અને હાથ ગુમાવવો પડ્યો હતો.
ઈમામ ખોમેનીના ફતવાને અમલમાં મૂકતા આ ફાઉન્ડેશનના સેક્રેટરી મોહમ્મદ ઈસ્માઈલ ઝરેઈએ જણાવ્યું હતું કે અમે યુવાન અમેરિકનના બહાદુર પગલાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જેણે રશ્દીની એક આંખ અને એક હાથને અક્ષમ કરીને મુસ્લિમોને ખુશ કર્યા છે. રશ્દી હવે જીવતા મડદા કરતાં વિશેષ કંઇ નથી અને આ બહાદુર પગલાંનું સન્માન કરવા લગભગ 1,000 ચોરસ મીટર ખેતીની જમીન આ વ્યક્તિ અથવા તેના કોઈપણ કાનૂની પ્રતિનિધિઓને દાનમાં આપવામાં આવશે.
સલમાન રશ્દી ભારતીય મૂળના લેખક છે. તેમણે ‘ધ સેતાનિક વર્સિસ’ અને ‘મિડનાઈટ ચિલ્ડ્રન’ જેવી જાણીતી નવલકથાઓ લખી છે. મિડનાઈડ ચિલ્ડ્રન માટે તેમને 1981માં બુકર પ્રાઈઝથી સન્માનિત કરાયા હતા. 1988માં આવેલી તેમની ચોથી નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’ને લઈને ઘણો વિવાદ થયો હતો. ઈરાને આ પુસ્તક પર એ જ વર્ષે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધના એક વર્ષ પછી ઈરાનના દિવંગત નેતા અયાતુલ્લા ખામૈનીએ એક ફતવો બહાર પાડ્યો હતો, જેમાં રશ્દીની હત્યા કરનારને 30 લાખ ડોલર કરતા વધુ રકમ આપવાની જાહેરાત કરી હતી. તે પછી બ્રિટિશ સરકારે તેમને પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું. ઈરાનની સરકારે ઘણા સમય પહેલા જ ખામૈનીના ફતવાથી પોતાને અલગ કરી દીધી હતી, પરંતુ રશ્દી વિરોધી ભાવના જળવાઈ રહી હતી. વર્ષ 2012માં ઈરાનના એક અર્ધ-સત્તાવાર ધાર્મિક ફાઉન્ડેશને સલમાન રશ્દીની હત્યા માટેના ઈનામમાં વધારો કરીને 33 લાખ ડોલર કરી દીધું હતું.