થોડા સમય પહેલા કહેવાતું હતું કે, પીઢ અભિનેતા મુકેશ ખન્નાના આઈકોનીક ટીવી શો ‘શક્તિમાન’ પરથી હવે એક ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવશે અને તેમાં ‘શક્તિમાન’ની ભૂમિકા રણવીર સિંઘ ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુકેશ ખન્નાના આ ટીવી શો ‘શક્તિમાન’ એક તબક્કે વર્ષો સુધી લોકપ્રિયતામાં ટોચ પર રહ્યો હતો અને હવે મુકેશ ખન્નાની મંજૂરીથી તેના પરથી ફિલ્મ બનાવવામાં આવશે.
મુકેશ ખન્નાએ આ બાબતે કહ્યું હતું કે કોરોનાકાળ પહેલા અમે આ બાબતે ચર્ચા કરી હતી. અને બે વર્ષ પહેલા મેં તેના હક સંબંધિત પ્રોડક્શન હાઉસને વેચી દીધા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે ‘શક્તિમાન’ નો જોટો જડવો મુશ્કેલ છે. પરંતુ સમય મુજબ આપણને પણ આગળ વધવું જોઈએ. તેથી જ્યારે મને તેના પરથી ફિલ્મ બનાવવાની ઓફર આવી ત્યારે મેં ઈનકાર નહોતો કર્યો. જો હું આ શો ફરીથી બનાવત તો પણ તે ટીવી શો જ હોત. જ્યારે સંબંધિત હાઉસ સુપરહીરો ફિલ્મો બનાવવામાં મોખરે છે.
વળી આ રીતે ‘શક્તિમાન’ વૈશ્વિક સ્તરે જાણીતો બને તેમ હતું. જોકે, હું પણ આ ફિલ્મ સાથે સંકળાયેલો છું. હમણાં અમે તેની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યાં છીએ. તેમાં મારો રોલ પણ હશે. હું કઈ ભૂમિકા ભજવીશ તે હજુ નિશ્ચિત નથી.
અભિનેતાએ વધુમાં જણાવ્યું હતું કે ‘શક્તિમાન’ ની ભૂમિકા માટે ઘણાં કલાકારોના નામના સૂચનો આવ્યા છે. આ રોલ માટેના કલાકારની પસંદગીમાં હું પણ ભાગ લઈશ. જોકે ‘શક્તિમાન’ માટે કલાકાર પસંદ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. અમારે એવા અભિનેતાની પસંદગી કરવાની રહેશે જે અગાઉના ‘શક્તિમાન’ ની લોકપ્રિયતા જાળવી શકે.