અમેરિકામાં સખાવતી કાર્યોમાં અગ્રેસર રહેતા બિલિયોનેર ચિરાગ અને ચિન્ટુ પટેલે કોરોના સામે લડવા માટે જરૂરી હાઇડ્રોક્સીક્લોરોક્વીન સલ્ફેટ ટેબલેટ્સની દવાનો માતબર જથ્થો ડોનેટ કર્યો છે. તેઓ તેમના વિવિધ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આ મહિનામાં અંદાજે 20 મિલિયન ટેબ્લેટ્સનું ઉત્પાદન કરે તેવો અંદાજ છે.
અમેરિકામાં ન્યૂયોર્ક અને લુઇસિઆના સહિતના રાજ્યોમાં ગંભીર રીતે પ્રસરેલા આ વાઇરસના રોગચાળાને નાથવામાં મદદરૂપ આ દવાનો મોટા જથ્થો ડોનેટ કરવાની આ ઇન્ડિયન અમેરિકનની માલિકીની ફાર્મા કંપનીએ જાહેરાત કરી હતી. ચિરાગ અને ચિન્ટુ પટેલની ન્યૂ જર્સી સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સ કંપનીની અમેરિકામાં સૌથી મોટા દવા ઉત્પાદક તરીકે ગણના થાય છે.
કંપનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં આ દવાઓ કંપનીના તમામ ગ્રાહકોને પહોંચાડાશે અને જરૂરીયાત મુજબ મોટી સંસ્થાઓને પણ સીધુ વેચાણ કરવામાં આવશે. કોરોનાના દર્દીઓની સારવાર માટે એમનીલ દ્વારા ન્યૂયોર્કમાં 200 મિલિગ્રામ હાયડ્રોક્સીક્લોરોક્વીન સલ્ફેટની બે મિલિયન ટેબ્લેટ્સ, લુઇસિયાનાને ચાર લાખ અને ટેક્સાસમાં એક મિલિયન ટેબ્લેટ્સ દાનમાં આપવામાં આવી છે.
આ ઉપરાંત જરૂર પડશે તો વધુ ટેબ્લેટ્સ પણ ઉપલબ્ધ કરાવાશે. એમનીલના કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, અમે કંપનીના તમામ લોકો આપણા સમુદાયના લોકોને આ વૈશ્વિક મહામારી સામે લડવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સ્થાનિક તંત્રએ આ મદદને આવકારી હતી.