કેનેડાના મૂળ નિવાસીઓના એક ગ્રૂપને તાજેતરમાં રડાર સીસ્ટમના માધ્યમથી એક બિલ્ડિંગની નીચેથી 171 બાળકોની કબર મળી છે. કેનેડામાં જે લોકો ત્યાં અંગ્રેજોના શાસન અગાઉ વસતા હતા તેમને મૂળ નિવાસી લોકો કહેવામાં આવે છે. ઓન્ટારિયોમાં જે બિલ્ડિંગની નીચે કબર મળી છે, ત્યાં એક સમયે સ્કૂલ હતી. કેહવાય છે કે આ કબર મૂળ નિવાસીઓના જ સંતાનોની છે.
આ બાળકોને 19 સદીમાં દબાણપૂર્વક ચર્ચ દ્વારા સંચાલિત સ્કૂલમાં અભ્યાસ કરવામાં આવતો હતો. કબર મળ્યા બાદ ગ્રૂપના મેમ્બર ક્રિસ સ્કીડે કહ્યું કે બાળકોની કબર જોઈને આપણે યાદ રાખવું જોઈએ કે આપણે જીવતા બચી ગયા છીએ. આપણી અહીંયા જ છીએ અને આપણા પૂર્વજો પણ અહીંયા જ છે. જોકે, આવું પહેલીવાર થયું નથી કે જ્યારે કેનેડામાં મૂળ નિવાસીઓના બાળકોની કબરો મળી હોય. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં મે 2021થી મૂળ નિવાસીઓના બાળકોની કબરો મળી રહી છે. આ વિવાદસ્પદ મુદ્દામાં કેનેડાના વડાપ્રધાનથી લઈને વેટિકન સિટીના પોપ ફ્રાન્સિસ સુધીના અગ્રણીઓ માફી માગી ચૂક્યા છે. સમાચાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે 19 સદીમાં કેનેડાની સરકાર અને ચર્ચ મૂળ નિવાસીઓના બાળકો માટે સ્કૂલ ચલાવતી હતી. આ શાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મૂળ નિવાસીઓના બાળકોને પોતાની સંસ્કૃતિ અને પરંપરાથી દૂર રાખવાનો હતો, જેમને કેનેડાના સત્તાધિશો પછાત સમજતા હતા.