અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)માંથી તાજેતરમાં રાજીનામું આપનારા ભૂતપૂર્વ એમડી આર એસ સોઢી રિલાયન્સ જૂથમાં જોડાઈ ગયા છે. તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીમાં એડવાઇઝરીની ભૂમિકા ભજવશે. સોઢીની આગેવાની હેઠળ અમૂલે ઉંચી વૃદ્ધિ નોંધાવી હતી અને અમૂલનું ટર્નઓવર એક દાયકામાં રૂ. 8,000 કરોડથી વધીને રૂ.61,000 કરોડ થયું હતું. તે દૂધની સહકારી ડેરીમાંથી આગળ વધીને ચોકલેટ, આઈસ્ક્રીમ સહિતની દરેક મિલ્ક પ્રોડક્ટમાં જોરદાર ગ્રોથ કર્યો હતો. હવે તેઓ રિલાયન્સ રિટેલના ગ્રોસરી બિઝનેસના ગ્રોથ માટે કામ કરશે. ખાતે લગભગ 41 વર્ષ સુધી કામ કર્યા પછી જાન્યુઆરીમાં આર એસ સોઢીએ અમૂલ છોડી હતી
સોઢી અને રિલાયન્સ ગ્રૂપે આ વિશે કોઈ કોમેન્ટ કરી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે ઈશા અંબાણી ના રિટેલ બિઝનેસમાં ગ્રોસરી વર્ટિકલને આગળ વધારવાનું કામ સોઢી સંભાળશે. ખાસ કરીને ફ્રૂટ અને શાકભાજીમાં વધારે વૃદ્ધિ કરવાની યોજના છે. આ ઉપરાંત કન્ઝ્યુમર બ્રાન્ડ સેગમેન્ટમાં પણ તે પોતાની હાજરી મજબૂત બનાવવા માંગે છે.
રિલાયન્સ રિટેલની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ આ સેગમેન્ટમાં આક્રમક રીતે પોતાની પોઝિશન મજબૂત બનાવી રહી છે. તેણે ઢગલાબંધ પ્રોડક્ટ લોન્ચ કરી છે જેમાં કેમ્પા જેવી જાણીતી પ્રોડક્ટને ફરીથી લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત હોમ અને પર્સનલ કેર આઈટમો પણ લોન્ચ થઈ છે.
.