(ANI Photo)

ગુજરાતની પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલે અમેરિકામાં તેનું  ફ્રેશ મિલ્ક લોન્ચ કર્યું છે.  આની સાથે ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટેગલાઇન ધરાવતી અમૂલે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કર્યો છે.

અમૂલનું સંચાલન કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે “મને જણાવતાં આનંદ થાય છે કે અમૂલ અમેરિકામાં તેની ફ્રેશ મિલ્ક પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. અમે યુએસમાં 108 વર્ષ જૂની ડેરી કો-ઓપરેટિવ મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાણ કર્યું છે અને ડેટ્રોઇટ ખાતે 20 માર્ચે તેની વાર્ષિક બેઠકમાં આ જાહેરાત કરાઈ હતી.”

અમૂલે પોતાના તાજા દૂધની રેન્જ યુએસમાં એક ગેલન અને અડધા ગેલનના પેકમાં વેચવાની શરૂ કરી છે. ભારતમાં પ્રચલિત છે તે જ બ્રાન્ડ નેમ અને કોમ્પોઝિશન સાથે સાથે વેચવાનું શરૂ કર્યું છે. અમૂલ ગોલ્ડ 6 ટકા મિલ્ક ફેટ સાથે, અમૂલ શક્તિ 4.5 ટકા મિલ્ક ફેટ સાથે, અમૂલ તાઝા 3 ટકા મિલ્ક ફેટ સાથે અને અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમ 2 ટકા મિલ્ક ફેટ સાથે વેચવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ઈસ્ટ કોસ્ટ અને મિડવેસ્ટ માર્કેટમાં વિવિધ પ્રકારના અમૂલ દૂધ જાણીતા ભારતીય ગ્રોસરી સ્ટોરમાં મળી રહેશે.

મહેતાએ જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે  કે અમૂલ તાજા પ્રોડક્ટ્સની શ્રેણી ભારતની બહાર ક્યાંય પણ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારમાં લોન્ચ કરવામાં આવશે. અમેરિકામાં મજબૂત ભારતીય અને એશિયન ડાયસ્પોરા છે. વધુમાં સુવર્ણ જયંતિની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિઝનનું પાલન કરીને અમૂલ બ્રાન્ડનું વિસ્તરણ કરવાની અને સૌથી મોટી ડેરી કંપની બનવાની આશા રાખે છે.

અમૂલની પ્રોડક્ટ્સ વિશ્વના 50થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અમૂલ હેઠળ 18,000 દૂધ સહકારી સમિતિઓ છે, 36,000 ખેડૂતોનું નેટવર્ક છે, જે દરરોજ 3.5 કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ કરે છે.વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો લગભગ 21 ટકા છે.

 

LEAVE A REPLY