કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે સિંચાઈ અને બીજી માળખાગત સુવિધા સહિત કૃષિ ક્ષેત્ર માટે લાંબા ગાળાની વધુ લોન આપવા કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક (ARDBs)ને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર આ ક્ષેત્રના વિસ્તૃતીકરણ માટે સહકારી મંડળીઓનો ડેટાબેઝ તૈયાર કરી રહી છે.
કૃષિ ક્ષેત્રમાં સુધારા વગર ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે નહીં તે બાબત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે કો-ઓપરેટિવ બેન્કો દેશમાં જમીનમાં સિંચાઈની સુવિધા માટે વધુ લોન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરે. ભારતમાં 49.4 કરોડ એકર ખેતીલાયક જમીન છે, જે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ છે. તમામ ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા મળે તો ભારત સમગ્ર વિશ્વને અનાજ પૂરી પાડવાની સંભાવના ધરાવે છે. હાલમાં દેશની 50 ટકા ખેતીલાયક જમીન ચોમાસા આધારિત છે.
નવી દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સને સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લાં નવ દાયકામાં કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કો અલગ-અલગ નામ હેઠળ કાર્યરત છે. આમાંથી મોટાભાગની લેન્ડ મોર્ગેજ બેન્કો તરીકે કામ કરતી હતી. આ બેન્કોને ARDBsમાં તબદિલ કરાયા બાદ ચોમાસા પર ખેડૂતોના અવલંબનમાં ઘટાડો થયો છે. કો-ઓપરેટિવ સંસ્થાઓ દ્વારા લાંબા ગાળાના ફાઇનાન્સના છેલ્લાં 90 વર્ષના ઇતિહાસમાં જોવામાં આવે અને તેનાથી તળિયાના સ્તર સુધી કેવી રીતે લાભ થયો છે તેના ડેટા જોવામાં આવે તો લાગે છે કે તેમાં વધારો થયો નથી. ખાસ કરીને લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું કૃષિ ફાઇનાન્સ દેશના ઘણા વિસ્તારોમાં નિષ્ક્રીય બન્યું છે. ઘણા સ્થળોએ સારી રીતે કામગીરી થાય છે, પરંતુ કેટલાંક રાજ્યોમાં આવું નથી. આપણે તેમાં પુનઃસંચાર કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે ARDBsએ અત્યાર સુધી 3 લાખથી વધુ ટ્રેક્ટર માટે લોન આપી છે, પરંતુ ટાર્ગેટ 8 કરોડ ટ્રેક્ટરનો હોવો જોઇએ. એ જ રીતે આશરે 5.2 લાખ ખેડૂતોને સહકારી સંસ્થાઓ મારફત મધ્યમ અને લાંબા ગાળાની લોન મળે છે, પરંતુ લક્ષ્યાંક વધુને વધુ ખેડૂતો સુધી પહોંચવાનો હોવો જોઇએ.
બેન્કોએ લાંબા ગાળાની લોન માંગતા ખેડૂતોને સહાય કરવા માટે સુધારા કરવા જોઇએ. સરકારી બેન્કોએ માત્ર બેન્કલક્ષી નહીં, પરંતુ સમગ્ર ક્ષેત્રલક્ષી સુધારા કરવા જોઇએ. ખેડૂતો માટે ટૂંકા ગાળાની લોન કરતાં લાંબા ગાળાની લોન વધુ હોવી જોઇએ અને નાબાર્ડે આ માટે એક્સ્ટેશન વિંગની સ્થાપના કરવી જોઇએ.