બર્મિંગહામ એરપોર્ટના સત્તાવાળાઓ સમક્ષ લેબર પાર્ટીના એમપી અને શેડો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીત કૌર ગીલની આગેવાની હેઠળ પ્રદેશના 11 સંસદસભ્યોને વિનંતી કરી છે કે તેઓ વેસ્ટ મિડલેન્ડના શહેરો અને ભારતના અમૃતસર વચ્ચે વધુ ડાયરેક્ટ ફ્લાઇટ્સ ચલાવવા માટે એર ઇન્ડિયાને રજૂઆત કરે.
સત્તાવાળાઓએ કહ્યું હતું કે તેઓ અમૃતસર અને બર્મિંગહામ વચ્ચેની ફ્લાઈટ્સની ઉડાનોની સંખ્યા વધે તે માટે તેઓ શક્ય તેટલું બધું કરશે. અગાઉની છ ફ્લાઇટથી ઘટીને હવે અઠવાડિયામાં માત્ર એક ફ્લાઇટ બે શહેરો વચ્ચે ઉડાવાય છે.
સાંસદોએ એરપોર્ટના સીઈઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે ‘’130,000 શીખ અને પંજાબી વસ્તી ધરાવતા વેસ્ટ મિડલેન્ડ અને સુવર્ણ મંદિર ધરાવતા શહેર વચ્ચેની વર્તમાન ફ્લાઇટની સંખ્યા અપૂરતી છે. મુસાફરોને અમૃતસરની ફ્લાઈટમાં બોર્ડ કરવા માટે લંડનની મુસાફરી કરવી પડે છે, જેના કારણે વધુ ખર્ચ થાય છે અને અસુવિધા થાય છે. કોવિડ મુસાફરી પ્રતિબંધો હળવા થતા બર્મિંગહામ-અમૃતસરની ડાયરેક્ટ ફ્લાઇટ ગયા ઓગસ્ટમાં ફરી શરૂ થઈ હતી. પણ તેની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે. આના પરિણામ વેસ્ટ મિડલેન્ડ્સની મોટી શીખ અને પંજાબી ડાયસ્પોરા વસ્તીને વધુ ખર્ચ થાય છે. અમે આ માટે જે પણ જરૂરી હોય તેની સાથે કામ કરવા આતુર છીએ.”
એરપોર્ટના એવિએશન ડાયરેક્ટર ટોમ સ્ક્રીને જણાવ્યું હતું કે ‘’એર ઈન્ડિયા ફ્લાઇટ ફ્રિકવન્સી વધારવાની ચાવી ધરાવે છે પરંતુ તે તેના બોઈંગ 787 પ્લેન માટે પૂરતા સ્પેરપાર્ટ્સ મેળવવાની સમસ્યાનો સામનો કરી રહી છે. માંગને પહોંચી વળવા એરપોર્ટ હંસ એરવેઝ સાથે વાતચીત કરી રહ્યું છે.’’
બર્મિંગહામ અને અમૃતસરને વાયા દોહા સેવા પૂરી પાડતી કતાર એરવેઝ પણ એરબસ સાથેના વિવાદને કારણે વિમાનોની અછત અનુભવે છે.