તાઉ-તે વાવાઝોડાને પગલે છેલ્લાં બે દિવસથી અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું અને અમરેલી-રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો હતો. આ ડેમ ઓવરફ્લો થતાંહિંડોરણા ધાતરવડી નદીમાં પૂર આવ્યું હતું. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા હતા.
સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના કારણે નદી કાંઠે આવેલા ગામોમાં ભારે ખાનાખરાબી થઈ હતી અને ખેતરોમા લહેરાતા ઉભા પાકનો સોથ વળી ગયો છે. અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખબાક્યો હતા. સાવરકુંડલામાં સાત ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંચ ઈંચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ધારીમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતા.