સુપર સાઈક્લોનિક તોફાન ‘અમ્ફાન’ મંગળવારે બપોર સુધીમાં નબળું પડતાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 14 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આગળ વધી રહેલું આ ચક્રવાત પશ્ચિમબંગાળા દીઘાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 670 કિ.મી.ના અંતરે છે અને તે બંગાળના અખાતમાં ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ફંટાવાની શક્યતા રહેલી છે. બુધવાર બપોર સુધીમાં આ ચક્રવાત પશ્ચિમબંગાળ અને બાંગ્લાદેશના તટીય વિસ્તારો પર ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચક્રવાત અમ્ફાન નબળું પડ્યું હોવા છતા તે પશ્ચિમ બંગાળ તેમજ ઓડિશા કાંઠે વ્યાપક નુકસાન વેરી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે 20 મેના બપોર સુધીમાં ચક્રવાર અમ્ફાન પશ્ચિમ બંગાળના દીઘા તેમજ બાંગ્લાદેશના હતિયા ટાપુ આસપાસ ત્રાટકે તેવી સંભાવના છે. સુપર સાયક્લોનમાંથી તે સીવીયર સાયક્નોલિક સ્ટોર્મમાં રૂપાંતરિત થઈ શકે છે અને તેને પગલે પવનની ઝડપ 155-165 કિ.મી પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે જ્યારે મહત્તમ 180 કિ.મીની ઝડપ પવન ફૂંકાશે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું. ગેલની ઝડપ 240થી 250 કિ.મી પ્રતિ કલાકની રહી શકે છે.
મંગળવાર બપોર સુધીમાં આ ઝડપ ઘટીને 200-210 કિ.મીની થવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેને પગલે કોલકાતા, હુગલી, હાવડા, દક્ષિણ તેમજ ઉત્તર 24 પરગના અને મધ્ય મિદનાપોર જિલ્લાઓમાં વિનાશની શક્યતા છે. ચક્રવાતને પગલે રેલ તેમજ રોડ માર્ગે વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. આ ઉપતાંર વીજ અને સંચારના થાંભલા ઉખડવાની પણ સંભાવના છે. કાચા મકાનોને વ્યાપક નુકસાન થઈ શકે છે જેને પગલે એડીઆરએફ અને સ્થાનિક તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
કૃષિ ક્ષેત્રે ઉભા પાકને પણ નુકસાન પહોંચી શકે છે. તેમજ વાવણી પણ પ્રભાવિત થશે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું. હવામાન શાસ્ત્રીઓના મતે પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં 19 તેમજ 20 મેના ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મિદનાપુર, દક્ષિણ તેમજ ઉત્તર 24 પરગના, હાવડા, હુબલી અને કોલકાતામાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. ચક્રવાત નજીક આવતા દરિયામાં 4થી 6 મીટર ઊંચા મોજા ઉછળવાથી દક્ષિણ તેમજ ઉત્તર 24 પરગના જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ઓડિશામાં 19મેના હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર તટીય ઓડિશામાં જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, બાલાસોર, ભદ્રક અને મયૂરભંજ જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદ થવાની વકી છે. ચક્રવાત બાંગ્લાદેશના દક્ષિણ કાંઠા તરફ આગળ વધી શકે છે તેને પગલે દેશમાં ઓડિશાના કાંઠેથી 20 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવાના સરકારે સોમવારે આદેશ આપ્યા હતા.