21 વર્ષ બાદ ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું છે. અમ્ફાન સુપર સાઇક્લોન ચાર કલાક સુધી અહીં તહામી મચાવશે. અમ્ફાનનો પહેલો પ્રહાર પારાદીપ પર થશે, જ્યાં અત્યારથી ઝડપી પવનો ફુંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે. અમ્ફાન સુપર સાઇક્લોન બપોર બાદ દીઘા કાંઠે ટકરાઈ શકે છે.
લગભગ 100 કિમી દૂર વાવાઝોડાના કેન્દ્રમાં લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. ઓડિશાના પારાદીપમાં સવારથી જ ઝડપી પવનો ફુંકાઈ રહ્યા છે. સુપર સાઇક્લોન અમ્ફાન હવે ઓડિશાના દરિયાકાંઠાની નજીક પહોંચી ગયું છે. પારાદીપમાં 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. સુપર સાઇક્લોનમાં ઝડપી પવન ફુંકાવાને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહેલા મહાચક્રવાતી વાવાઝોડા અમ્ફાનને જોતાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના જોખમવાળા વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગ મુજબ આજે બપોરે કે પછી સાંજ સુધીમાં સુપર સાઇક્લોન અમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હાલ અમ્ફાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.
કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે કે કોલકાતા, હુગલી, હાવડા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં મોટાપાયે નુકસાન થઈ શકે છે.બાંગ્લાદેશમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સરકારે સાયક્લોનની સ્થિતિને પહોંચી વળવા માટે આર્મીને મોકલી છે.