રૂા.1500 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં અમદાવાદના એક સમયના જાણીતા ઉદ્યોગગૃહ અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ક્રાઈમ બ્રાન્ચે સોમવારે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવતાં શહેરમાં ચર્ચા જાગી હતી. અમદાવાદના વેપારી કેદાર તાંબેની 16 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદને પગલે અમોલ શેઠની સોમવારે સાંજે રાજસ્થાનના જેસલમેરથી ધરપકડ કરવામાં આવી હતી. અનિલ સ્ટાર્ચના ચેરમેન અમોલ શેઠે બેન્કોના રૂ.750 કરોડ ઉપરાંત રોકાણકારોના રૂ300 કરોડ ડૂબાડયા હોવાનો આરોપ છે. 1000થી વધુ રોકાણકારોની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી મળી હોવાનું માનવામાં આવે છે.
અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠ લોકોને પોતાના ધંધામાં રોકાણ કરતો હોવાનો વિશ્વાસ આપી 9-10 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી નાણાં મેળવતાં હતાં. બાદમાં પૈસા પરત કર્યા ન હતા. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, અમોલ શેઠે 350 કરોડ રૂપિયા આસપાસનું ફૂલેકું ફેરવ્યાની પ્રાથમિક વિગતો પોલીસ સુધી પહોંચી છે. ફરિયાદી આવતાં જશે તેમ ફરિયાદ નોંધવામાં આવશે.
વર્ષ 2017થી અત્યાર સુધીમાં અમોલ શેઠ સામે અડધો ડઝન જેટલી ફરિયાદો થઈ ચૂકી છે. વર્ષ 2017 આસપાસના અરસામાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ, માણસા સહિતના પોલીસ સ્ટેશનોમાં અમોલ શેઠ સામે છેતરપિંડીની અડધો ડઝન જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જો કે, હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને અમોલ શેઠ બચતો રહ્યો હતો. છેતરપિંડી કેસમાં અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ધરપકડ થતાં શહેરના ભદ્ર પરિવારના લાલભાઈ ગ્રુપમાં પણ ચર્ચા જાગી છે.
અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે કથિત રૂા.1,500 કરોડના કૌભાંડમાં સિદ્ધાર્થ કોનમાર્ટ પ્રા. લિના ડિરેક્ટરની પણ ધરપકડ કરી હતી. સિદ્ધાર્થી કોનમાર્ટના ડિરેક્ટર સંપ્રતિ મહેન્દ્રભાઇ શેઠ મહેન્દ્રભાઇ શેઠની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન બિલ ડિસ્કાઉન્ટ સ્કેમમાં અમોલ શેઠ, સંપ્રતિ શેઠ, શાલિભદ્ર શેઠ, સ્વેતા નામદેવ, સિદ્ધાર્થ કોનમાર્ટ, શિવપ્રસાદ કાબરા અને મનીષ શેઠ સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી હતી.