બીબીસીએ જાહેરાત કરી છે કે તેના ‘યુનિવર્સિટી ચેલેન્જ’ કાર્યક્રમના પ્રેઝન્ટર તરીકે રેડિયો 4 ટુડે પ્રોગ્રામના પ્રેઝન્ટર અમોલ રાજનની વરણી કરી છે જેઓ જેરેમી પેક્સમેનનું સ્થાન લેશે. લાંબા સમયથી ચાલતા ક્વિઝ શોને હોસ્ટ કરવા માટે બીબીસી ન્યૂઝના મીડિયા એડિટર તરીકેની તેમની ભૂમિકામાંથી હટી જશે.
રાજને કહ્યું હતું કે ‘યુનિવર્સિટી ચેલેન્જ’ હોસ્ટ કરવાનું મારૂ સ્વપ્ન સાકાર થશે. મેં વર્ષોથી ‘યુનિવર્સિટી ચેલેન્જ’ને જુસ્સાથી જોયો છે. તેના ઉચ્ચ ધોરણો, ભવ્ય શીર્ષક સંગીત અને પ્રેરણાદાયી સ્પર્ધકોનુ મને વ્યસન છે.’’
39 વર્ષના રાજન 2020માં યુનિવર્સિટી ચેલેન્જના ગ્રેજ્યુએટ ક્રિસમસ સ્પેશિયલમાં સ્પર્ધક તરીકે દેખાયા હતા, જે તેના અલ્મા મેટર, ડાઉનિંગ કોલેજ, કેમ્બ્રિજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ટીમને ડરહામ યુનિવર્સિટીએ હરાવી હતી.
રાજન બીબીસીમાં £325,000 થી £329,999ના પગાર પર હોવાના અહેવાલ હતા અને યુનિવર્સિટી ચેલેન્જના હોસ્ટ તરીકે તેમને વધુ પગાર અપાશે. તેઓ ટુડે પ્રોગ્રામ અને અમોલ રાજન ઇન્ટરવ્યુ શો પણ ચાલુ રાખશે. ધ ઈન્ડિપેન્ડન્ટના ભૂતપૂર્વ સંપાદક રાજન ગયા વર્ષે તેમની ડોક્યુમેન્ટ્રી ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્રેસથી વિવાદમાં આવ્યા હતા અને ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને ડ્યુક ઓફ સસેક્સના મીડિયા સાથેના સંબંધો બાબતે કેન્સિંગ્ટન પેલેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. જે બદલ તેમણે માફી માંગી હતી. સાઉથ લંડનના ટૂટીંગના એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારના રાજને કેમ્બ્રિજમાં પ્રવેશ મેળવ્યો અને મીડિયાના ચુનંદા લોકોને આકર્ષ્યા હતા.
1994થી ‘યુનિવર્સિટી ચેલેન્જ’ રજૂ કરનાર 72 વર્ષના પેક્સમેને નિવૃત્તિનો સંકેત આપ્યો છે અને ઑટમમાં તેનો છેલ્લો એપિસોડ કરશે અને તે આવતા વર્ષે પ્રદર્શિત થશે. ‘યુનિવર્સિટી ચેલેન્જ’ એ બ્રિટનનો સૌથી લાંબો સમય ચાલતો ક્વિઝ શો છે, જે 60 વર્ષ પહેલાં ITV પર પ્રથમવાર દેખાયો હતો. તેના વિશેની એક ડોક્યુમેન્ટરી BBC2 અને BBC iPlayer પર 29 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે.