આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં પોતાના કામકાજને મંગળવારે અટકાવ્યું દીધું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતેા કે માનવઅધિકારોના ઉલ્લંઘન અંગે અવાજ ઉઠાવવાથી સરકારે તેના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી દીધા છે.
ગ્રૂપે જણાવ્યું હતું કે નાણાકીય ગેરરીતિના આરોપ હેઠળ છેલ્લાં બે વર્ષના પગલાં બાદ તેને પોતાના કર્મચારીઓને છૂટા કર્યા છે. એમ્નેસ્ટીના બેન્ક એકાઉન્ટ 10 સપ્ટેમ્બરે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. જોકે આ આક્ષેપ અંગે સરકાર તરફી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અવિનાશ કુમારે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી અમારી સામે કાર્યવાહી ચાલી રહી હતી. અમારા બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરાયા એ કંઇ રાતોરાત થયું નથી. સરકારી વિભાગો સતત અમારી પજવણી કરી રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલી દિલ્હીની હિંસા અને જમ્મુ કશ્મીર અંગે અમે ઊઠાવેલા અવાજના પગલે સરકારે અમારી સામે કાર્યવાહી કરવા માંડી હતી.
અવિનાશ કુમારે એવો દાવો કર્યો હતો કે અમે તમામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરી રહ્યા છીએ. ભારતમાં માનવ અધિકારો માટે કામ કરવા સંસ્થા સ્થાનિક તેમજ ઇન્ટરનેશનલ લેવલે એક અલગ મોડેલના માધ્યમ દ્વારા સંચાલિત થાય છે. છેલ્લાં આઠ વર્ષમાં ચાર મિલિયનથી વધુ ભારતીયોએ અમારા કામને બિરદાવ્યું હતું. આશરે દસ લાખ ભારતીયોએ અમારા કામ માટે આર્થિક મદદ કરી હતી.
જો કે એમ્નેસ્ટીએ ઉમેર્યું હતું કે અમને મળેલા દાનને વિદેશી દાન (નિયંત્રણ ) ધારો 2010 સાથે કશો સંબંધ નથી. ભારત સરકાર એને મની લોન્ડરીંગનો કેસ ગણાવી રહી હતી. આ હકીકત પુરવાર કરે છે કે માનવ અધિકારો માટે લડતા કાર્યકરો અને સંસ્થાઓ માટે ભારત સરકારને કેટલી દુર્ભાવના છે.