બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક નવી અર્બન ગુજરાતી ફિલ્મમાં અભિનય આપ્યો છે. આથી અમિતાભના ગુજરાતી ચાહકોને પોતાની માતૃભાષાની ફિલ્મમાં જ સુપરસ્ટારને જોવાનો લાભ થશે.
આ નવી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં ચિંતન પરીખ નામના એક વ્યક્તિની વાત છે. 28 વર્ષીય આ મધ્યમ-વર્ગીય માણસ જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરમાં તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે. અને તેની આ ઈચ્છા મંજૂર થાય છે.
આ ફિલ્મ અંગે નિર્માતા આનંદ પંડિત કહે છે, ‘હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં પહેલું નામ માત્ર અમિતાભ બચ્ચનનું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ માત્ર આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો જાદુઈ અવાજ આપવા માટે પણ સહમત થયા.
મને આશ્ચર્ય તો આ વાતથી થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના ભાગ ડબ કરી શકીએ પરંતુ તેમણે ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, ‘આપ પહેલે હમારા કામ દેખીયે!’ અને જાતે જ સંપૂર્ણ ગુજરાતી શબ્દપ્રયોગ સાથે અવાજ રેકોર્ડ કર્યો. આ સૂચવે છે કે તેઓ તેમના કામ માં શોર્ટકટ નથી લેતા. હું ખૂબ જ ખુશ છું કે તેઓ ‘ફક્ત મહિલા માટે ‘નો એક ભાગ છે.,વૈશલ શાહ કહે છે, “શ્રી આનંદ પંડિત સાથે આ ફિલ્મનું નિર્માણ કરીને હું ગૌરવ અનુભવી રહ્યો છું. મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે તાજેતરની હિન્દી ફિલ્મ ચેહરે પછી, હવે આ ફિલ્મમાં મિસ્ટર બચ્ચને વાર્તાના વર્ણનમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેણે કેમિયો પણ કર્યો છે. અમે 19 ઓગસ્ટ ઉપર તહેવારના સમયે આ ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છીએ, તેથી પરિવારો માટે આ એક મોટી ટ્રીટ હશે.’
ફિલ્મના દિગ્દર્શક જય બોડાસ કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારુ ડેબ્યુ મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે હશે, જોકે આ ફિલ્મમાં કૌટુંબિક મનોરંજનના તમામ પ્રકાર છે. પરિવારના દરેક વ્યક્તિ માટે આ ફિલ્મ છે.’